‎‎ગુજરાતી દેશી ઢોલ ના તાલે નામના ફેસબુક પેજ દ્વારા 21 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પૂરી ના જગન્નાથ મંદિર ના શિખર પર આગ. પૂજારી એ દેશમાં મોટી હોનારત ની કરી આશંકા. આવું ક્યારેય બન્યું નથી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો જગન્નાથ પુરી મંદિરના શિખર પર લાગેલી આગનો છે. આ પોસ્ટને 143 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 6 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. 10000 થી વધુ લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 102 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર જગન્નાથ પુરી મંદિરના શિખર પર આગ લાગી હતી અને પૂજારી દ્વારા મોટી હોનારત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે જગન્નાથ પુરી મંદિરનો સંપર્ક કર્યો હતો. જ્યાં અમારી વાત મંદિરના પ્રમુખ સાથે થઈ હતી. તેઓને અમે આ સમગ્ર ઘટના અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, દરેક એકાદશીના દિવસે મંદિરના શિખર પર એક મહાદીપ પ્રગટાવવામાં આવે છે. જેને પતિતપાવન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેની સાથે એક ધજા અને એક માળા હોય છે. એકાદશીના દિવસે આજ પ્રકારે મહાદીપ શિખર પર પ્રગટાવવામાં આવ્યો હતો. પરંતુ વધુ પવન હોવાને કારણે એ હોલવાઈ ગયો હતો અને મહાદીપમાં પાણી ભરાઈ જવાથી મોટા પ્રમાણાં ધુમાડો ઉત્પન્ન થયો હતો. આ મહાદીપ મોટો હોવાને કારણે તેની અંદર રહેલી દિવેટના સળગેલા ટુકડા હવાથી ઉડીને મંદિર પર તેમજ તેના પરિસરમાં આમતેમ પડ્યા હતા. જોકે આ ઘટનાથી કોઈ જ નુકશાન થયું ન હતું. પૂજા રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી. વિશ્વમાં કોરોના વાયરસને કારણે સરકાર દ્વારા તાજેતરમાં મંદિર બંધ કરવાની માંગ કરવામાં આવી છે.

અમારી વધુ તપાસમાં અમને Kanak News દ્વારા 20 માર્ચ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, એકાદશીના દિવસે જગન્નાથ પુરી મંદિરના શિખર પર મહાદીપ પ્રગટાવવામાં આવે છે. જે આ વખતે પણ પ્રગટાવવામાં આવ્યો હતો. પવન વધુ હોવાને કારણે આ મહાદીપમાં રહેલી દિવેટ સળગીને તેના ટુકડા હવામાં ઉડ્યા હતા તેમજ મંદિર પર અને તેના પરિસરમાં પડ્યા હતા. જોકે સદનસીબે કોઈ જ નુકશાન થયું ન હતું અને પૂજા રાબેતા મુજબ ચાલુ રહી હતી. મહાદીપની દિવેટ સળગતી હોવાથી લોકોના મનમાં એવો સંદેહ ઉભો થયો કે, શિખર પર આગ લાગી છે. અગિયારમા દિવસે ચુનેરા સેવાના ડૉ. શરદચંદ્ર મોહંતી દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે, શિખર પર કોઈ જ પ્રકારની આગ લાગી ન હતી. એકાદશીના દિવસે સાંજે 6.40 વાગે મહાદીપમાં રહેલી દિવેટ પણ પવનના કારણે સળગી ઉઠી હતી. જેને કારણે લોકોમાં ગેરસમજ ઉભી થઈ હતી. શિખર પર કોઈ જ પ્રકારની આગ લાગી ન હતી. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

આજ વીડિયોની સત્યતા ફેક્ટ ક્રેસેન્ડોની ઓરિસ્સાની ટીમ દ્વારા પણ તપાસવામાં આવી હતી. જે તમે અહીં જોઈ શકો છો. odia.factcrescendo.com

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જગન્નાથ પુરી મંદિરના શિખર પર આગ લાગી હોવાની માહિતી ખોટી અને અફવા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, જગન્નાથ પુરી મંદિરના શિખર પર આગ લાગી હોવાની માહિતી ખોટી અને અફવા છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર જગન્નાથ પુરી મંદિરના શિખર પર આગ લાગી...? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False