
હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં એક મેસેજ અને ત્રણ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં આ યુવાનના કપડા ફાટી ગયેલા જોવા મળે છે અને આ વ્યક્તિની હાલત પણ ખરાબ જોવા મળી રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વ્યક્તિ ભાજપાનો ધારાસભ્ય છે અને મહિલા દ્વારા તેને મારમારવામાં આવ્યો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, અમરોહાના ભાજપના ધારાસભ્ય સાથે હુમલો થયાની ઘટના હોવાનો દાવો કરતી સોશિયલ મિડિયા પરની ફોટો ભ્રામક હોવાનું બહાર આવ્યું છે. જૂન 2018 માં, સ્થાનિક ભાજપ નેતા મદન વર્મા પર મહિલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેની તસવીરો હાલમાં ભાજપના ધારાસભ્યોની તસવીરો તરીકે વાયરલ થઈ રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
A Z A D “/ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વ્યક્તિ ભાજપાનો ધારાસભ્ય છે અને મહિલા દ્વારા તેને મારમારવામાં આવ્યો છે.”

અમુક ફેસબુક યુઝર દ્વારા માત્ર આ ઘટના હાલમાં યુપીમાં બનવા પામી હોવાનું જણાવી શેર કરવામાં આવી રહી છે. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમુક અન્ય ગુજરાતી ફેસબુક યુઝર દ્વારા આ જ ઘટનાને હિન્દીમાં લખીને શેર કરી હતી. જે પણ તમે નીચે જોઈ શકો છો.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને સ્થાનિક સમાચાર વેબસાઇટ ‘ગજરાલા ટાઇમ્સ’ દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. 5 જૂન 2018 ના રોજ પ્રસારિત આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમરોહા જિલ્લા આયોજન સમિતિની બેઠકમાં ભાગ લેવા માટે ઉત્તર પ્રદેશ સરકારના તત્કાલીન કેબિનેટ મંત્રીઓ ચેતન ચૌહાણ અને ઓમપ્રકાશ રાજભર અમરોહા આવ્યા હતા. દરમિયાન કેટલાક મહિલાઓ રેશનકાર્ડમાં થતી ખલેલ અંગે કલેક્ટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કરી રહી હતી. જ્યારે બેઠક બાદ આગેવાનો બહાર આવ્યા ત્યારે મહિલાઓએ તેઓને રેશનકાર્ડમાં કઠોર ફરિયાદ કરી હતી. ત્યારબાદ મહિલાઓએ ભાજપના સ્થાનિક નેતા મદન વર્મા સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યું. ગુસ્સે ભરાયેલી મહિલાઓએ મદન વર્માનાં કપડાં ફાડી નાંખ્યા હતા. પોલીસની મદદથી મદન વર્માને બચાવી લેવામાં આવ્યા હતા.”

અમને ‘ન્યૂઝ 18’ ની ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ પર વાયરલ ફોટો સંબંધિત ન્યૂઝનો વિડિયો પણ મળ્યો. 6 જૂન 2018 ના રોજ અપલોડ કરાયેલા આ વિડિયો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “વાયરલ થતી તસવીરોમાં દેખાતા વ્યક્તિનું નામ મદન વર્મા છે, જે અમરોહાના ભાજપના સ્થાનિક નેતા છે. રિપોર્ટ અનુસાર મહિલાઓએ મદન વર્મા પર રેશનકાર્ડ દલાલ કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેની પર હુમલો કર્યો હતો.”
મદન વર્માના સોશિયલ મિડિયા એકાઉન્ટસ અનુસાર, હાલમાં તેઓ પાલોલા સહકારી મંડળીના અધ્યક્ષ અને ભાજપના ડિડોલી મંડળના અધ્યક્ષ છે.
હાલમાં સમાજવાદી પાર્ટીના મહેબૂબ અલી અમરોહાના ધારાસભ્ય છે. 2017 ની ચૂંટણીમાં તેમણે બસપાના નૌશાદ અલીને હરાવ્યો હતો. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડો.કુંવર સૈની ત્રીજા નંબરે હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. અમરોહાના ભાજપના ધારાસભ્ય સાથે હુમલો થયાની ઘટના હોવાનો દાવો કરતી સોશિયલ મિડિયા પરની ફોટો ભ્રામક હોવાનું બહાર આવ્યું છે. જૂન 2018 માં, સ્થાનિક ભાજપ નેતા મદન વર્મા પર મહિલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેની તસવીરો હાલમાં ભાજપના ધારાસભ્યોની તસવીરો તરીકે વાયરલ થઈ રહી છે.

Title:શું ખરેખર અમરોહામાં ભાજપાના ધારાસભ્યને મહિલા દ્વારા માર મારવામાં આવ્યો…?
Fact Check By: Yogesh KariaResult: False
