
વિકાસ નું બેસંણુ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “VHP ભાજપ સંઘ કાર્યકર્તા ગૌ તસ્કરી કરતા પકડાયા, જનતા સમજે મૂર્ખ બની વોટ દીધા જોઈ લો તમારી સામે.. શેયર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 478 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 14 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 393 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વીએચપી ભાજપા સંઘના કાર્યકરો ગૌતસ્કરી કરતા પકડાયા.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Daily Report નામના ફેસબુક યુઝર દ્વારા આ ફોટો સાથેની પોસ્ટ વર્ષ 2018માં શેર કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવ્યા છે તેમાં જરોદ આઉટ સ્ટેશન પોલીસ ચોકીનું બોર્ડ દેખાઈ રહી છે. જે વાઘોડિયા પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. તેમજ આ તમામ ફોટોમાં 31 જૂલાઈ 2018 તારીખ લખવામાં આવી હતી. તેથી અમે આ અંગે ઓનલાઈન એફઆઈઆરની વેબસાઈટ પર જઈ અને એફઆઈઆર ડાઉનલોડ કરી હતી.
વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં 321/2018 નંબર હેઠળ નોંધાયેલી એફઆઈઆરમાં પોલીસે કાર કબ્જે કરી હતી અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી હતી.
1ત્યારબાદ અમે આ કેસના ઇન્વેસ્ટિંગ ઓફિસર ઘનરાજગિરિ હરિગિરિ ગોસાઈનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હાલ તેઓ રિટાયર થઈ ગયા છે. પરંતુ આ કેસમાં કોઈ પક્ષ સાથે જોડાયેલ વ્યક્તિ પકડાયુ ન હતુ.”
ત્યારબાદ અમે ઈકોર્ટની વેબસાઈટ પરથી આ કેસની વિગતો મેળવી હતી. આ કેસની વિગતો દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, સોહિલ ઉર્ફે ભાણો અયુબભાઈ ભૈયજીમલ નામના શખ્સનું નામ આ કેસની તપાસમાં ખુલ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ આ કેસમાં હજુ સુધી આરોપી ફરાર જ હોવાનું પણ આ વેબસાઈટ પર જણાવવામાં આવ્યુ છે. પોલીસ હજુ સુધી કોર્ટમાં આરોપીને રજૂ જ નથી કરી શકી.


તેમજ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે વીએચપીના ગુજરાતના પ્રમુખ દિલિપ ત્રીવેદીનો સંપર્ક સાધ્યો હતો અને સોહિલ ઉર્ફે ભાણો અયુબભાઈ ભૈયજીમલ નામનો કોઈ યુવાન વીએચપી સાથે જોડાયેલ છે કે કેમ તે અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ પ્રકારે કોઈ યુવાન વીએચપી સાથે જોડાયેલ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો વર્ષ 2018ના છે અને આ કેસમાં વીએચપીનો કોઈ કાર્યકર સંકળાયેલ નથી.

Title:શું ખરેખર વીએચપીના કાર્યકરો ગૌતસ્કરીમાં પકડાયા છે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
