આ પ્રથા મંદિરમાં વર્ષોથી ચાલી આવે છે. મંદિર સમિતિ અને ગુંદરદેહીના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર કુમાર રાયે સ્પષ્ટતા કરી છે કે વાયરલ સમાચાર ખોટા છે.

સોશિયલ મીડિયા પર એક મંદિરની તસવીર વાયરલ થઈ રહી છે. આ વાયરલ તસવીરમાં પ્રતિમાની ઉપર “786” લખેલા લીલા કપડાને જોઈ શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ તસવીર છત્તીસગઢના ગુંદરદેહી સ્થિત મા ચંડી દેવી મંદિરની છે. સોશિયલ મીડિયા પર લોકો આ તસવીર શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “છત્તીસગઢના ચંડી દેવી મંદિર પર પાકિસ્તાનનો ધ્વજ ફરકાવવામાં આવ્યો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Sampurna Samachar Seva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 ફેબ્રુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “છત્તીસગઢના ચંડી દેવી મંદિર પર પાકિસ્તાનનો ધ્વજ ફરકાવવામાં આવ્યો.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને અમર ઉજાલાનો રિપોર્ટ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલમાં વાયરલ તસવીર જોવા મળી રહી છે. આ સમાચાર અનુસાર, મંદિર એકતા અને અખંડિતતાનું ઉદાહરણ છે. અહીં હિંદુ અને મુસ્લિમ બંને એક સાથે પૂજા કરે છે. મુસ્લિમોની ચાદર પણ આ મંદિરમાંથી જ નીકળે છે. આ મંદિરની એક તરફ ચંડી મૈયાની પૂજા થાય છે. તો બીજી તરફ સૈયદ બાબાના પવિત્ર 786ની લીલી ઝંડી પણ લહેરાવી રહી છે. અહીં બધા ધર્મોના લોકો એક સાથે પૂજા કરે છે.

પ્રકાશિત સમાચારમાં મંદિરના સંસ્થાપક સભ્ય અને પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર કુમાર રાયનું નિવેદન છે. રાજેન્દ્ર કુમાર રાયે રિપોર્ટમાં કહ્યું છે કે- અત્યાર સુધી અહીં હિંદુ-મુસ્લિમ સંઘર્ષની કોઈ સ્થિતિ સર્જાઈ નથી. અહીં બધા એક સાથે પૂજા કરે છે.
વધુ શોધ કરવા પર અમને ETV ભારત દ્વારા પ્રસારિત એક અહેવાલ મળ્યો, મંદિર 100 વર્ષ જૂનું છે. મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ બંને પૂજા કરે છે.
અહીં ચંડી દેવીની પૂજા પણ કરવામાં આવે છે અને તેની સાથે સૈયદ બાબાનો પવિત્ર 786 લીલો ધ્વજ પણ લહેરાવવામાં આવે છે.
વધુમાં, અહેવાલમાં સ્થાનિકોને ટાંકીને એમ પણ કહેવામાં આવ્યું છે કે, મંદિરમાં આવેલી ચંડી માતાની મૂર્તિ સ્થાનિક રામસાગર તળાવમાંથી નીકળી હતી અને મુસ્લિમ સમુદાયનો પવિત્ર ચંદ્ર પણ તે જ તળાવમાંથી નીકળ્યો હતો.
આ પછી, તત્કાલિન સ્થાનિક રાજા ઠાકુર નિહાલ સિંહે મંદિરમાં માતાની સ્થાપના કર્યા પછી સૈયદ બાબા સાહેબની 786 પવિત્ર ચાદર ત્યાં સ્થાપિત કરી.
તે જ સમયે, અન્ય ઘણા મીડિયા અહેવાલોમાં પણ કહેવામાં આવ્યું છે કે મંદિર હિન્દુ-મુસ્લિમ એકતાનું જીવંત ઉદાહરણ છે. અહીં બંને ધર્મના લોકો પોતપોતાની ધાર્મિક માન્યતાઓ અનુસાર પરસ્પર સૌહાર્દ સાથે પૂજા કરે છે.
અમે સંપૂર્ણ સમાચાર વિશે જાણવા માટે ગુંદરદેહીના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર કુમાર રાયનો સંપર્ક કર્યો, તેમણે સ્પષ્ટતા કરી કે વાયરલ સમાચાર નકલી છે. તેમણે કહ્યું કે તેમના પૂર્વજોએ આ મંદિર બનાવ્યું હતું. જૂની માન્યતાઓ અનુસાર, મુસ્લિમ સમુદાયનો પવિત્ર ચંદ્ર સ્થાનિક રામસાગર તળાવમાં જોવા મળ્યો હતો અને મારા દાદા નિહાલ સિંહ, જેઓ અહીંના છેલ્લા જમીનદાર હતા, તેમણે તે ચંદ્રને બોક્સમાં રાખ્યો હતો. આ પછી તેને મંદિરમાં રાખવામાં આવ્યો અને તેને લીલા કપડાથી ઢાંકી દેવામાં આવ્યો. ત્યારથી બંને ધર્મના લોકો અહીં પૂજા અર્ચના કરે છે.
તે જ સમયે, તેમણે કહ્યું કે આ ઝઘડો ફેલાવવાની કોશિશ કરનાર વ્યક્તિને શોધી કાઢવામાં આવ્યો છે. મંદિર સમિતિ વતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વ્યક્તિ વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
અમને ANI યુટ્યુબ ચેનલ પર એક અહેવાલ પણ મળ્યો. જેમાં વિધાનસભ્ય રાજેન્દ્ર કુમારના નિવેદનની સાથે મંદિર અને સ્થાનિક લોકો મંદિર અંગે સ્પષ્ટતા આપતા જોવા મળી રહ્યા છે. સંપૂર્ણ અહેવાલ અહીં જુઓ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ પ્રથા મંદિરમાં વર્ષોથી ચાલી આવે છે. મંદિર સમિતિ અને ગુંદરદેહીના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર કુમાર રાયે સ્પષ્ટતા કરી છે કે વાયરલ સમાચાર ખોટા છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર છત્તીસગઢમાં ચંડી દેવીના મંદિર પર પાકિસ્તાનનો ધ્વજ ફરકાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
