શું ખરેખર મુરાદાબાદમાં વોર્ડબોયનું કોરોના વેક્સિનને કારણે થયું મોત...? જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના વેક્સિનના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ સમાચારોની વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવી માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુરાદાબાદની સરકારી હોસ્પિટલમાં એક વોર્ડ બોયનું કોરોના વેક્સિનને કારણે મોત થયું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, મુરાદાબાદના સરકારી હોસ્પિટલના વોર્ડ બોયનું મોત પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કોરોના વેક્સિનથી નહીં પરંતુ હાર્ટ એટેકને કારણે થયું હોવાનું બહાર આવ્યું છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Girish Sanghvi નામના ફેસબુક યુઝર દ્વારા 18 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુરાદાબાદની સરકારી હોસ્પિટલમાં એક વોર્ડ બોયનું કોરોના વેક્સિનને કારણે મોત થયું છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને aajtak.in દ્વારા 18 જાન્યુઆરી, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મુરાદાબાદના સરકારી હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરી રહેલા 48 વર્ષીય મહિપાલે 16 જાન્યુઆરીના રોજ કોરોના વેક્સિન લીધી હતી. 17 જાન્યુઆરીના સાંજે તેનું મોત થયું હતું. સમાચારમાં આપવામાં આવેલી માહિતી મુજબ મુરાદાબાદના મુખ્ય તબીબી અધિકારી એમ.સી.ગર્ગે એવું જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ વોર્ડ બોયનું મોત કોરોના વેક્સિનને કારણે નહીં પરંતુ હાર્ટ એટેકને કારણે જ થયું છે.
અમારી વધુ તપાસમાં અમને વોર્ડ બોય મહિપાલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ પ્રાપ્ત થયો હતો. જેમાં તેના મોતનું કારણ હાર્ટ એટેક દર્શાવ્યું હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. hindi.oneindia.com | navodayatimes.in | tv9hindi.com
ANI Hindi News દ્વારા પણ 18 જાન્યુઆરી, 2021 ના રોજ આ અંગે એક ટ્વિટ કરવામાં આવી હતી. જેમાં ઉત્તરપ્રદેશના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ અમિત મોહન પ્રસાદ દ્વારા પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટને આધારે વોર્ડ બોય મહિપાલનું મોત કોરોના વેક્સિનને કારણે નહીં પરંતુ હાર્ટ એટેકને કારણે થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.
PIB Fact Check દ્વારા પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ મુરાદાબાદના સરકારી હોસ્પિટલના વોર્ડ બોયનું મોત પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કોરોના વેક્સિનથી નહીં પરંતુ હાર્ટ એટેકને કારણે થયું હોવાનું બહાર આવ્યું છે.
Title:શું ખરેખર મુરાદાબાદમાં વોર્ડબોયનું કોરોના વેક્સિનને કારણે થયું મોત...?
Fact Check By: Vikas VyasResult: False