
Atul Vala નામના ફેસબુક પેજ દ્વારા 21 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પેલા સુરત ના વેવાઈ અને વેવાણ મળી ગયા છે જેની જાહેર જનતા એ નોંધ લેવી🤣🤣🤣 ( જમાનો હાવ બગડી ગયો છે મોદી હે તો મુમકીન હૈ🤣🤣🤣🤣). આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો થોડાક દિવસો પહેલા સુરતના કતારગામ ખાતેથી ભાગી ગયેલા વેવાઈ-વેવાણ મળી આવ્યા તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 200 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 61 લોકો દ્વારા પોતાનો મત રજૂ કરવામાં આવ્યો હતો. 3600 થી વધુ લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 62 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયો સુરતના કતારગામ ખાતેથી થોડાક દિવસો પહેલા ભાગી ગયેલા વેવાઈ-વેવાણનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સુરતના કતારગામ ખાતે બનેલી આ ઘટનાની માહિતી જાણવાની કોશિશ કરતાં અમને gujarati.news18.com દ્વારા 22 જાન્યુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સુરતના કતારગામ વિસ્તારનાં રહેવાસી યુવકના લગ્ન નવસારીની એક યુવતી સાથે ફેબ્રુઆરી મહિનામાં થવાના હતા. લગ્નના એક મહિના પહેલા જ યુવતીની માતા અને યુવકના પિતા બંને પોત-પોતાના ઘરેથી ચાલ્યા ગયા છે. ઘણા સમય બાદ પણ તેઓ ઘરે પરત નહીં ફરતા બંને પરિવારોએ પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. mantavyanews.com | atalsamachar.com
ઉપરોક્ત સમાચાર તેમજ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને આ બંનેમાં જે મહિલા અને પુરુષ દેખાઈ રહ્યા છે એ બંનેના ચહેરા અલગ-અલગ છે એ તમે પણ જોઈ શકો છો. તેમજ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં બોલવામાં આવતી ભાષા પણ હિન્દી છે. તેથી અમે આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને hindi.oneindia.com દ્વારા 10 જાન્યુઆરી, 2020 ના રોજ પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એજ વીડિયો સાથેના એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશના ઉન્નાવ ખાતે એક મહિલા દ્વારા તેના પતિને મહિલા એસઆઈ સાથે રંગે હાથે પકડી પાડ્યો અને ઘરમાં ઘૂસીને તેને માર માર્યો તેનો આ વીડિયો છે. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. msn.com
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવોલો વીડિયો સુરતના કતારગામનો નહીં પરંતુ ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં બનેલી ઘટનાનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવોલો વીડિયો સુરતના કતારગામનો નહીં પરંતુ ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં બનેલી ઘટનાનો છે. જેને સુરતથી ભાગી ગયેલા વેવાઈ-વેવાણ સાથે કોઈ જ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર સુરતના કતારગામેથી ભાગી ગયેલા વેવાઈ-વેવાણ મળી આવ્યાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
