વર્ષ 2018 ના ગણપતિ વિસર્જનનો વીડિયો JNU ના નામે વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો JNU નો છે જ્યાં પાકિસ્તાન વિરોધી નારા લગાવવામાં આવ્યા. ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 માં મુબઈના થાણે ખાતે થયેલા ગણપતિ વિસર્જનનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
भगवा प्रेमी हिंदु तेजस जोशी નામના ફેસબુક યુઝર દ્વારા 20 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, Jnu dilhi નીમ કા પતા કડવા હૈ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો JNU નો છે જ્યાં પાકિસ્તાન વિરોધી નારા લગાવવામાં આવ્યા.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Say "No" To Sold Media દ્વારા ફેસબુક પર 2 ઓક્ટોમ્બર, 2018 ના રોજ અપલોડ કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો મુંબઈના થાણેનો છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો લિમરા ટાઈમ્સ દ્વારા 4 ઓક્ટોમ્બર, 2018 ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ વીડિયો મુંબઈના થાણેનો હોવાનું જણાવવામાં આવ્યુ છે.
વીડિયો અંગે વધુ જાણકારી માટે ફેક્ટ ક્રેસેન્ડોની ટીમે JNU ના વિદ્યાર્થી યુનિયનના સચિવ સંદીપ સૌરવ સાથે વાત કરતાં તેઓએ એવું જણાવ્યું હતું કે, “આ વીડિયો JNU નો નથી. વીડિયોમાં લોકોની ભીડ વચ્ચેથી એક ટ્રક પસાર થતી જોવા મળી રહી છે. જ્યારે JNU પરિસરમાં આ પ્રકારના કોઈ જ વાહનોની અવર-જવર થતી નથી.”
ગુગલ પર જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, ‘હિન્દુ જાગૃતિ મંડળ’ નામની એક સંસ્થાના ઘણા વીડિયો યુટ્યુબ પર પ્રાપ્ત થયા હતા. જેમાં પાકિસ્તાન વિરોધી નારા લગાવવામાં આવ્યા છે.
ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ‘હિન્દુ જાગૃતિ મંડળ’ ને ગુગલ પર સર્ચ કરીને તેની સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આ વીડિયો થાણે જિલ્લાના નૌપાડા વિસ્તારના ગોખલે રોડ પર વર્ષ 2018 માં મનાવવામાં આવેલા ગણેશ મહોત્સવના વિસર્જનનો છે. અમે વધુમાં એવું પૂછ્યું હતું કે, લોકો પાકિસ્તાન વિરોધી નારા કેમ લગાવી રહ્યા છે? તો અમને એવું જણાવ્યું હતું કે, આવા નારા હિન્દુઓ અને દેશને એકજુટ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
નીચે તમે થાણે સ્થિત હિન્દુ જાગૃતિ મંડળનું ગુગલ મેપ પરનું લોકેશન પણ જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો JNU નો નહીં પરંતુ મુંબઈના થાણે ખાતે વર્ષ 2018 માં થયેલા ગણેશ વિસર્જનનો છે.
Title:વર્ષ 2018 ના ગણપતિ વિસર્જનનો વીડિયો JNU ના નામે વાયરલ... જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False