વર્ષ 2018 નો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન પ્રદર્શનના નામે વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં પોલીસ દ્વારા ખેડૂતો પર ઠંડીની ઋતુમાં પાણીનો મારો કરવામાં આવ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2018 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જેને હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Pamak Manoj B નામના ફેસબુક યુઝર દ્વારા 28 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં પોલીસ દ્વારા ખેડૂતો પર ઠંડીની ઋતુમાં પાણીનો મારો કરવામાં આવ્યો તેનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ધ ક્વિંટ દ્વારા 3 ઓક્ટોમ્બર, 2018 ના રોજ આજ ફોટો સાથે પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, હરિદ્વારના ટિકૈત ઘાટથી કિસાન ક્રાંતિ પદયાત્રા 23 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી. આ પદયાત્રાના ભાગરૂપે ખેડૂતો જ્યારે દિલ્હી બોર્ડર પર પહોંચ્યા અને દિલ્હીમાં દાખલ થવા માટે તેઓએ પોલીસ બેરિકેડ હટાવવાની કોશિશ કરી ત્યારે પોલીસ દ્વારા તેમના પર વોટર કેનનનો ઉપયોગ કરીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. એ સમયનો આ ફોટો છે.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. નઈ દુનિયા | ન્યૂઝ 24 ઓનલાઈન | મિર્ચી લગી
તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત પ્રદર્શનમાં પણ પોલીસ દ્વારા ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરતા રોકવા માટે આંસુ ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કેટલાક ફોટો તમે ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા 26 નવેમ્બર, 2020 ના રોજ કરવામાં આવેલી ટ્વિટમાં જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2018 માં ખેડૂતો દ્વારા નીકાળવામાં આવેલી કિસાન ક્રાંતિ પદયાત્રાનો છે. જેને હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી.
Title:વર્ષ 2018 નો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન પ્રદર્શનના નામે વાયરલ... જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False