
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોગી આદિત્યનાથે એવું કહ્યું કે, શાહરુખ ખાન જેવા બોલીવુડના કલાકારો ભાજપનો વિરોધ કરતાં કરતાં રાષ્ટ્ર વિરોધી બની ગયા છે. તેમજ શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ ન જોવા માટે લોકોને અપીલ કરી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2015 નો છે. આ વીડિયોમાં તેઓએ શાહરુખ ખાનની તુલના આતંકવાદી હાફીઝ સઈદ સાથે કરી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhavesh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 30 માર્ચ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બૉલીવુડ ના હકલા ભાંડ નેં ચેતવણી આપતાં ગુરુજી ઍ કીધું છેં કે તમેં bjp નો વિરોધ કરતા કરતા રાષ્ટ્ર ના વિરોધી થતા જાવ છોવ અને આંતર રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્ર ની છબી ખરાબ કરો છો જે કદાપિ યોગ્ય નથી.. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોગી આદિત્યનાથે એવું કહ્યું કે, શાહરુખ ખાન જેવા બોલીવુડના કલાકારો ભાજપનો વિરોધ કરતાં કરતાં રાષ્ટ્ર વિરોધી બની ગયા છે. તેમજ શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ ન જોવા માટે લોકોને અપીલ કરી હતી.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ANI News દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 4 નવેમ્બર, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે શીર્ષકમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અભિનેતા શાહરુખ ખાનની તુલના આતંકવાદી હાફીઝ સઈદ સાથે કરી હતી.
અમારી વધુ તપાસમાં અમને ઝી ન્યૂઝ દ્વારા 5 નવેમ્બર, 2015 ના રોજ પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, યોગી આદિત્યનાથે દેશમાં ચાલી રહેલા અસહિષ્ણુતા વિવાદ દરમિયાન અભિનેતા શાહરૂખ ખાનની તુલના આતંકવાદી હાફિઝ સઈદ સાથે કરી હતી.
વધુમાં યોગી આદિત્યનાથે એમ પણ કહ્યું કે, શાહરૂખ ખાને પાકિસ્તાન જતા રહેવું જોઈએ. પોતાના નિવેદનમાં તેમણે ઉમેર્યું હતું કે, શાહરૂખ ખાને એ યાદ રાખવું જોઈએ કે, જો દેશના મોટા ભાગના લોકો તેની ફિલ્મોનો બહિષ્કાર કરશે તો તેણે ‘સામાન્ય મુસ્લિમો‘ની જેમ રસ્તા પર ફરવું પડશે.
વાસ્તવમાં આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વર્ષ 2015માં અભિનેતા આમિર ખાને દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા વિશે નિવેદન આપ્યું હતું. ત્યારે શાહરૂખ ખાને પણ આ જ વાત કહી હતી. તેમણે દેશમાં ધાર્મિક અસહિષ્ણુતાની સાથે તમામ પ્રકારની અસહિષ્ણુતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2015 નો છે. આ વીડિયોમાં તેઓએ શાહરુખ ખાનની તુલના આતંકવાદી હાફીઝ સઈદ સાથે કરી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર યોગી આદિત્યનાથ દ્વારા શાહરુખ ખાનની ‘પઠાણ’ ફિલ્મ ન જોવાની અપીલ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Misleading
