
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેદારનાથ ખાતે ગયેલા યાત્રેકો સાથે થયેલી મારપીટનો એક વીડિયો અને માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેદારનાથ ખાતે યાત્રિકો પર ઘોડા અને ખચ્ચરના વિધર્મી માલિકો દ્વારા મારપીટ કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કેદારનાથ યાત્રિકોની જે માહિતી અને વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઘટનામાં ક્યાંય પણ કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. પોલીસ દ્વારા જે આરોપીઓને પકડવામાં આવ્યા છે એ તમામ હિંદુ જ છે. આ વીડિયો અને માહિતીને સોશિયલ મીડિયા પર ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
હર્ષલ ભટ્ટ બાપુ નામના ફેસબુક યુઝર દ્વારા 14 જૂન, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કેદારનાથ યાત્રી ઓ મારપીટ કરવા વાળા ચાર વિધર્મીઓ પર કેસ દાખલ ઘોડાં ખચ્ચર નાં લાઈસન્સ રદ કરવા અનુરોધ જય બાબા ભોલેનાથ 🙏. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેદારનાથ ખાતે યાત્રિકો પર ઘોડા અને ખચ્ચરના વિધર્મી માલિકો દ્વારા મારપીટ કરવામાં આવી.

આ ઘટના અંગેના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે તમે અહીં જોઈ શકો છો. Facebook Post 1 | Facebook Post 2
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને hindi.news24online.com દ્વારા 13 જૂન, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં આપવામાં આવેલી માહિતી મુજબ, દિલ્હીની તીર્થયાત્રી સાથે મારપીટ કરનારા આરોપીઓને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે. આ સમાચારમાં ક્યાંય પણ તેઓ વિધર્મી હોવાની કોઈ જ માહિતી આપવામાં આવી નથી.

નવભારત ટાઈમ્સમાં પ્રકાશિત સમાચાર અનુસાર, બાબા કેદારનાથ ધામના દર્શન કરવા આવેલા મહિપાલપુર દિલ્હીની રહેવાસી તનુકા પોંડરે કોતવાલી સોનપ્રયાગમાં ફરિયાદ આપી છે. તેણે જણાવ્યું કે, 10 જૂને તે ગૌરીકુંડથી બાબા કેદારનાથ ધામની યાત્રા પર જઈ રહી હતી. દરમિયાન ભીંબલી પુલ પાસે એક ઘોડો જમીન પર પડી ગયો હતો, જેની હાલત ગંભીર હતી.
તેને જોઈને તેણે આસપાસના લોકો પાસે મદદ માંગી, પરંતુ કોઈએ મદદ કરી નહીં. આ સમય દરમિયાન ત્યાં એક વ્યક્તિ અન્ય ઘોડાઓને મારતો હતો, જે તેમના માટે પ્રતિકાર કરવા માટે ખૂબ જ વધારે સાબિત થયો. આ દરમિયાન, કેટલાક ઘોડા સંભાળનારાઓ સ્થળ પર પહોંચ્યા અને તનુકા સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા. એવો આરોપ છે કે ઘોડા સંભાળનારાઓએ તેને અને અન્ય મુસાફરોને લાકડીઓ વડે માર માર્યો હતો. સાથે જ તેમને ઉત્તરાખંડમાંથી તાત્કાલિક બહાર જવા માટે પણ કહ્યું હતું.
અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. aninews.in | lokmattimes.com
હિન્દુસ્તાન સમાચારની વેબસાઈટ પર 13 જૂનના રોજ પ્રકાશિત થયેલા સમાચાર મુજબ પોલીસે આ ઘટના અંગે કેસ નોંધીને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓના લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીઓની ઓળખ અંકિત સિંહ, સંતોષ કુમાર, રોહિત કુમાર, તમામ રહેવાસી જયકાંડી, પોલીસ સ્ટેશન અગસ્ત્યમુનિ, જિલ્લા રૂદ્રપ્રયાગ અને ગૌતમ સિંહ, ગામ જખાન ભરદાર પોલીસ સ્ટેશન, જિલ્લા રુદ્રપ્રયાગના રહેવાસી તરીકે કરવામાં આવી છે. આ કેસમાં એક સગીર પણ સામેલ છે.
રુદ્રપ્રયાગ પોલીસે એક ટ્વિટ દ્વારા માહિતી આપી હતી કે, કેદારનાથ ધામ ફૂટપાથ પર શ્રદ્ધાળુઓ પર હુમલો કરનારા તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અને અન્ય એક ટ્વિટમાં આરોપીઓનું નામ અંકિત સિંહ, સંતોષ કુમાર, રોહિત કુમાર અને ગૌતમ તરીકે આપવામાં આવ્યું છે.
રુદ્રપ્રયાગ પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં એક સગીર પણ સામેલ હતો, પરંતુ સગીરનું નામ જાહેર કર્યું નથી.
રુદ્રપ્રયાગના એસપી વિશાખા અશોક ભદાનેએ પણ 14 જૂન 2023ના રોજ આ ઘટનાની વિગતો આપતો એક વીડિયો જાહેર કર્યો હતો.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે રુદ્રપ્રયાગ પોલીસનો સંપર્ક કરતાં ત્યાંના એક પોલીસ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, ભીમ બાલી બ્રિજ વિસ્તારમાં એક મહિલા અને તેના સહ-પ્રવાસીઓ પર હુમલો કરનાર ઘોડાના હેન્ડલર મુસ્લિમ ન હતા. આ બાબતમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. તમામ આરોપીઓ સ્થાનિક રહેવાસી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કેદારનાથ યાત્રિકોની જે માહિતી અને વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઘટનામાં ક્યાંય પણ કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. પોલીસ દ્વારા જે આરોપીઓને પકડવામાં આવ્યા છે એ તમામ હિંદુ જ છે. આ વીડિયો અને માહિતીને સોશિયલ મીડિયા પર ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો કેદારનાથ ખાતે યાત્રિકો પર થયેલા હુમલાના વાયરલ વીડિયો અને માહિતીનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: Misleading
