શું ખરેખર ગૃહમંત્રી અમિત શાહે એવું કહ્યું કે, “मोदीजी 24 घंटे सोते है”...? જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહે ભાષણમાં એવું કહ્યું કે, मोदीजी 24 घंटा सोते है. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં ગૃહમંત્રી અમિત શાહ એવું કહી રહ્યા છે કે, ‘मोदीजी 24 घंटा सोचते है कि देश के गरीबों का कल्याण हो’. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Patel Manish નામના ફેસબુક યુઝર દ્વારા 23 નવેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહે ભાષણમાં એવું કહ્યું કે, “मोदीजी 24 घंटा सोते है”.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Bharatiya Janata Party ના સત્તાવાર યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે શીર્ષકમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પશ્ચિમ બંગાળના છાપરા ખાતે કરવામાં આવેલા ભાષણનો છે. આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી સાંભળતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ વીડિયોમાં ગૃહમંત્રી અમિત શાહ 5.38 મિનિટ પછી એવું બોલી રહ્યા છે કે, ‘मोदीजी 24 घंटा सोचते हैं कि देश के गरीबों का कल्याण हो और दीदी 24 घंटा सोचती हैं कि मेरा भतीजा कब मुख्यमंत्री बने’. જેનો ગુજરાતી અર્થ એવો થાય છે કે, ‘મોદીજી 24 કલાક એવું વિચારે છે કે, ગરીબોનું કલ્યાણ થાય અને દીદી 24 કલાક એવું વિચારે છે કે, મારો ભત્રીજો ક્યારે મુખ્યમંત્રી બને’.
આ વીડિયોમાં ગૃહમંત્રી અમિત શાહ હિન્દી ભાષામાં ‘સોચતે હૈ’ બોલી રહ્યા છે જેને ‘સોતે હૈ’ એવું દર્શાવીને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.
ઉપરોક્ત માહિતી સાથેના અન્ય વીડિયો પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. YOYO TV Kannada | OneIndia News
નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયો અને અમિત શાહના
ઓરિજીનલ ભાષણના વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં ગૃહમંત્રી અમિત શાહ એવું કહી રહ્યા છે કે, ‘मोदीजी 24 घंटा सोचते है कि देश के गरीबों का कल्याण हो’. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:શું ખરેખર ગૃહમંત્રી અમિત શાહે એવું કહ્યું કે, “मोदीजी 24 घंटे सोते है”...?
Fact Check By: Vikas VyasResult: False