બેંગલૂરૂની હોસ્પિટલના વિડિયોને મુંબઈની હોસ્પિટલના નામે ખોટી માહિતી સાથે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં જોવામળે છે કે, સફેદ એપ્રોન પહેરેલી એક મહિલા કામ કરતી વેળાએ અચાનક ઢળી પડે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કથિત રીતે હાર્ટ એટેક આવ્યા બાદ મુંબઈની વિનાયક હોસ્પિટલના ડોકટર ઢળી પડ્યા હતા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈની વિનાયક હોસ્પિટલનો નહિં પરંતુ આજ થી પાંચ વર્ષ પહેલાનો બેંગ્લૂરૂની વિનાયક હોસ્પિટલનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ramesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કથિત રીતે હાર્ટ એટેક આવ્યા બાદ મુંબઈની વિનાયક હોસ્પિટલના ડોકટર ઢળી પડ્યા હતા.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને વાઈરલ CCTV ફૂટેજનો આ જ વિડિયો 2017ની શરૂઆતમાં ઈન્ટરનેટ પર શેર કરવામાં આવ્યો હતો. જ્યારે આ વિડિયો સાથે માહિતી આપવામાં આવી હતી કે, “વિનાયક હોસ્પિટલ બેંગ્લોરના CCTV ફૂટેજ, હાર્ટ સ્પેશિયાલિસ્ટ, ડો. સુનિતા ફરજ પર હતા ત્યારે, હોસ્પિટલમાં હ્રદય રોગના મોટા હુમલામાં મૃત્યુ પામ્યા.

જે ક્લુના આધારે અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 26 નવેમ્બર 2017ના “Newsflare” પર અપલોડ કરવામાં આ જ વિડિયો પ્રાપ્ત થયો હતો અને તેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “બેંગ્લોરની વિનાયક હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. સુનિતા મેજર હાર્ટ એટેકને કારણે પડી ગયા હતા. હોસ્પિટલના પ્રવક્તા, ડો. ભરથે કહ્યું, “અમે તેમને ICUમાં લઈ ગયા અને તેમને ઈન્ટ્રાકાર્ડિયાક ઈન્જેક્શન સહિતની શ્રેષ્ઠ સારવાર આપી હતી પરંતુ તેને બચાવી શક્યા ન હતા અને તેમનું નિધન થયુ હતુ. તેને ડાયાબિટીસ હતુ અને તેણીનું સુગરનું લેવલખૂબ ઊંચુ હતું. પરંતુ તેણીએ હોસ્પિટલમાં તેની સ્થિતિ જાહેર કરી ન હતી.”

ન્યુઝફ્લેર

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે વિનાયક હોસ્પિટલ બેંગ્લૂરૂનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ ઘટના આજ થી 5 વર્ષ પહેલા અમારી હોસ્પિટલમાં બનવા પામી હતી. આ વિડિયો વાયરલ થયા બાદ અમને ઘણા લોકોના ફોન આવ્યા હતા. ડો.સુમિતા એક ફિઝિસિયન હતા અને ડાયાબિટિક હતા. આ ઘટના મુંબઈની હોવાની વાત તદ્દન ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈની વિનાયક હોસ્પિટલનો નહિં પરંતુ આજ થી પાંચ વર્ષ પહેલાનો બેંગ્લૂરૂની વિનાયક હોસ્પિટલનો છે.

Avatar

Title:બેંગલૂરૂની હોસ્પિટલના વિડિયોને મુંબઈની હોસ્પિટલના નામે ખોટી માહિતી સાથે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False