જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વૈશાલી યાદવ નામની વિદ્યાર્થીનીના વાયરલ વીડિયો બાદના દાવાનું જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી, ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર યુક્રેન ખાતે મેડિકલ સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરી રહેલી વૈશાલી યાદવ નામની વિદ્યાર્થીનીનો ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેન ખાતે ફસાયેલી વૈશાલી યાદવ નામની વિદ્યાર્થીનીનો ભારત સરકાર પર આરોપ લગાવતો જે વીડિયો વાયરલ થયો હતો એ નકલી છે અને હરદોઈ પોલીસે વૈશાલી યાદવની ધરપકડ પણ કરી લીધી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વૈશાલી યાદવની ધરપકડ કરવામાં આવી હોવાનો જે દાવો કરવામાં આવ્યો છે એનું હરદોઈ પોલીસ દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. વૈશાલી યાદવ હાલમાં ભારતમાં નથી. વૈશાલી યાદવનો ફોટો અને વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ramde Odedra નામના ફેસબુક યુઝર દ્વારા 2 માર્ચ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, યુક્રેનમાં પોતાને મેડિકલ સ્ટુડન્ટ હોવાનો સરકાર પર આરોપ લગાવીને વીડિયો બનાવનારી યુવતીનો વીડિયો નકલી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે વૈશાલી યાદવની મહેન્દ્ર યાદવ ની, પુત્રી હરદોઈ પોલીસના હાથે ઝડપાઈ ત્યારે ખબર પડી કે મોદી સરકારને બદનામ કરવા પિતાના કહેવા પર આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. વૈશાલીના પિતા સમાજવાદી પાર્ટીના નેતા છે. વિપક્ષ કેટલી હદે નીચતા ધરાવે.. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેન ખાતે ફસાયેલી વૈશાલી યાદવ નામની વિદ્યાર્થીનીનો ભારત સરકાર પર આરોપ લગાવતો જે વીડિયો વાયરલ થયો હતો એ નકલી છે અને હરદોઈ પોલીસે વૈશાલી યાદવની ધરપકડ પણ કરી લીધી છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ડિસેમ્બર 2021 માં અમર ઉજાલા, ન્યૂઝ 18 અને આજ તક દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશના હરદોઈની વૈશાલી યાદવ ગયા વર્ષે પંચાયતની ચૂંટણી દરમિયાન યુક્રેનથી ભારતની મુલાકાતે આવી હતી અને ગામના સરપંચ પદ માટે ચૂંટણી લડી હતી. તેણીએ ચૂંટણી જીતી અને ગામની સરપંચ પણ બની. ત્યારપછી તે MBBS નો આગળનો અભ્યાસ કરવા યુક્રેન પરત ગઈ અને યુક્રેનથી જ ગામના સરપંચ તરીકે તેની ફરજોનું સંકલન કરી રહી છે. વૈશાલી હરદોઈ જિલ્લાના સાંદી બ્લોકના તૈરાપુર સોલી ગામની સરપંચ છે. તેમના પિતા મહેન્દ્ર યાદવ ભૂતપૂર્વ બ્લોક ચીફ છે જે સમાજવાદી પાર્ટીના નેતા પણ છે. હરદોઈની સીડીઓ આકાંક્ષા રાણાએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે કે, તેણીની ગામની સરપંચ હોવા છતાં કેવી રીતે યુક્રેન ગઈ હતી અને તેનું એકાઉન્ટ કોના દ્વારા ચલાવવામાં આવે છે. હાલમાં ગામના સરપંચનું ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે.

અમારી વધુ તપાસમાં અમે હરદોઈના એસપી રાજેશ દ્વિવેદીનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા વૈશાલી યાદવની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી તદ્દન ખોટી છે અને વૈશાલી યાદવ હાલમાં ભારતમાં પણ નથી.

વધુમાં અમને હરદોઈના એસપી રાજેશ દ્વિવેદીનો એક વીડિયો પણ મળ્યો જે વાયરલ થઈ રહેલા દાવાઓનું ખંડન કરે છે. એક પત્રકાર રાજા પાલે આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. તેણે લખ્યું છે કે, હરદોઈ પોલીસે સ્પષ્ટતા કરી છે કે, યુવતીએ મદદ માંગી હતી, તે હાલમાં રોમાનિયામાં છે. સાંભળો શું કહે છે SP. તેને ખરેખર મદદની જરૂર છે.” તમે SP ની સંપૂર્ણ બાઈટ અહીં જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને વૈશાલી યાદવનો એક સ્પષ્ટીકરણ વીડિયો પણ મળ્યો જે દૈનિક ભાસ્કર દ્વારા 02 માર્ચ, 2022 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં આપણે જોઈ શકીએ છીએ કે, વૈશાલી યાદવ પણ વાયરલ દાવાઓનું ખંડન કરી રહી છે. તેણીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દાવાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે, તે યુક્રેનમાં હતી પરંતુ હાલમાં તે રોમાનિયામાં છે ભારતમાં નહીં.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વૈશાલી યાદવની ધરપકડ કરવામાં આવી હોવાનો જે દાવો કરવામાં આવ્યો છે એનું હરદોઈ પોલીસ દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. વૈશાલી યાદવ હાલમાં ભારતમાં નથી. વૈશાલી યાદવનો ફોટો અને વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વૈશાલી યાદવ નામની વિદ્યાર્થીનીના વાયરલ વીડિયો બાદના દાવાનું જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Misleading