
Sanjay Gadhia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “1989 માં રાજીવ ગાંધી સરકારની મંજૂરીથી અયોધ્યામાં રામ મંદિર નો શિલાન્યાસ તથા ભૂમિ પૂજન થઈ ચૂક્યા છે…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 339 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 23 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 95 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજીવ ગાંધી દ્વારા વર્ષ 1989માં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તેનો ફોટો છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને wikimedia.org પર આ ફોટો જોવા મળ્યો હતો. જેના શીર્ષકમાં એવું લખાણ હતું કે, આ ફોટો જ્યારે 1989 માં સ્વ. રાજીવ ગાંધી રશિયાના હરેક્રિષ્ના ભક્તોને દિલ્હી ખાતે મળ્યા ત્યારનો છે. જે તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર પર પણ આ ફોટો Rajiv Gandhi meeting Russian Hare Krishna devotees, 1989 શીર્ષક સાથે જોવા મળ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, તમામ સંશોધન પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો સ્વ. રાજીવ ગાંધી જ્યારે 1989 માં દિલ્હી ખાતે રશિયાના હરેક્રિષ્ના ભક્તોને મળ્યા તે સમયનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે મુકવામાં આવેલો ફોટો રાજીવ ગાંધી દ્વારા રામ મંદિર શિલાન્યાસ કરવામાં આવ્યુ ત્યારનો નથી.પરંતુ જ્યારે 1989 માં દિલ્હી ખાતે રશિયાના હરેક્રિષ્ના ભક્તોને મળ્યા તે સમયનો છે.

Title:શું ખરેખર પૂર્વ PM રાજીવ ગાંધી દ્વારા રામ મંદિરનો શિલાન્યાસ કર્યો તેની ફોટો છે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
