
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ગલીમાંથી બે ભગવાધારી વ્યક્તિઓની સાથે જઈ રહેલી પોલીસના કાફલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુનાની તપાસ કરવા જઈ રહેલી પોલીસનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ કાફલાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 માં બદાયૂ ખાતે કોરોના વોરિયર્સની સાથે જઈ રહેલી પોલીસનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Pravin Patel નામના ફેસબુક યુઝર દ્વારા 18 એપ્રિલ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગુનાની તપાસ કરવા જતી પોલીસની રક્ષા કરવા માટે તલવાર દળને નિયુકત કરવામાં આવ્યું છે ! હાલ દરેક રાજ્યમાં બેકારી દુર કરવા સક્ષમ યુવકોની તલવાર દળમાં ભરતી ચાલુ છે !. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુનાની તપાસ કરવા જઈ રહેલી પોલીસનો આ ફોટો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો અબ્બાસ ખાન નામના એક ટ્વિટર યુઝર દ્વારા 20 એપ્રિલ, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો ઉત્તરપ્રદેશના બદાયૂ શહેરનો છે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2020 નો છે.
આ માહિતીને ધ્યાનમાં રાખીને અમે બદાયૂના પોલીસ અધિક્ષક પ્રવિણસિંહ ચૌહાણનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ ફોટો બદાયૂનો છે. આમાં પોલીસ સાથે દેખાતા લોકો ગુનેગારો કે તોફાનીઓ નથી, પરંતુ કોરોના વોરિયર્સ છે. તેમના નામ મુકેશ કુમાર અને સુનીલ ગુર્જર છે. તેઓ પોલીસ સાથે મહોલ્લામાં ફરી રહ્યા છે અને લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અને તેમને ઘરે રહેવા માટે કહે છે.”
અમારી વધુ તપાસમાં અમને 20 એપ્રિલ, 2020 ના રોજ બદાયૂ પોલીસ તરફથી કરવામાં આવેલ એક ટ્વિટ પણ મળ્યું. આ ટ્વિટ બદાયૂ પોલીસે પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે જોડાયેલા એક વીડિયોના જવાબમાં કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ ફોટો બદાયૂના પોલીસ સ્ટેશન કોતવાલી વિસ્તારનો છે.
ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે કોતવાલી પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જ સાથે પણ વાત કરી. તેમણે અમને જણાવ્યું હતું કે, “આ ફોટોને લગતો એક વીડિયો એપ્રિલ 2020 માં થાણા કોતવાલી વિસ્તારના ટ્વિટર પર સર્ક્યુલેટ થયો હતો. જેમાં બે વ્યક્તિઓ પોલીસ સાથે ફરે છે જે કોરોના વોરિયર્સ મુકેશ કુમાર અને સુનીલ ગુર્જર હતા. જેમના દ્વારા વિસ્તારની મુલાકાત લીધા પછી લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અને તેમને ઘરે રહેવાની અપીલ કરવામાં આવી હતી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ કાફલાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 માં બદાયૂ ખાતે કોરોના વોરિયર્સની સાથે જઈ રહેલી પોલીસનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર તાજેતરમાં ગુનાની તપાસ કરવા જઈ રહેલી પોલીસનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Missing Context
