ઈન્ડોનેશિયામાં થયેલા બસ અકસ્માતના વીડિયોને મેઘાલયના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….
વીડિયોમાં દેખાતી બસ દુર્ઘટના મેઘાલયની નથી. ઈન્ડોનેશિયામાં થયેલા અકસ્માતનો આ વીડિયો છે.
ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે એક બસ ખાઈમાં પડતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બસ અકસ્માતનો આ વીડિયો મેઘાલયનો છે.” તેમજ વધુ જણાવવામાં આવ્યું છે કે, બસનો ડ્રાઈવર ચા પીવા ગયો હતો અને તેમણે બસની હેન્ડ બ્રેક ન લગાવી, આ દરમિયાન બસનું એન્જિન ચાલુ હતું. જે બાદ તે ખાઈમાં પડી ગઈ હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Naresh Simran નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બસ ખાઈમાં પડતી હોવાનો આ વીડિયો મેઘાલયનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
તેમજ આ ઘટના મેઘાલયની હોવાનું સાચુ માની ટીવીનાઈન દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Sarwar નામના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ પર 8 મેના રોજ આવો જ વીડિયો મળ્યો હતો. સાથેની માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ જાવાના તેગલમાં ગુચીના પર્યટન વિસ્તારમાં એક પ્રવાસી બસ ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તમે નીચે આ ટ્વિટ જોઈ શકો છો.
આને ધ્યાનમાં રાખીને, અમે યુટ્યુબ પર કીવર્ડ સર્ચ કર્યું. અમને આ ઘટનાનો અહેવાલ 7મી મેના રોજ ટ્રિબ્યુન ન્યૂઝ ચેનલ પર પ્રકાશિત થયો હતો. સાથેની માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, સેન્ટ્રલ જાવામાં સ્થિત ગુચી ટૂરિસ્ટ વિસ્તારમાં એક પ્રવાસી બસ નદીમાં પડી હતી. આ ઘટના 7 મે, રવિવારે સવારે 8.30 વાગ્યે બની હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 31 લોકો ઘાયલ થયા હતા.
તેના પરથી કહી શકાય કે આ વીડિયો મેઘાલયનો નહીં પણ ઈન્ડોનેશિયાનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વીડિયોમાં દેખાતી બસ દુર્ઘટના મેઘાલયની નથી. ઈન્ડોનેશિયામાં થયેલા અકસ્માતનો આ વીડિયો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:ઈન્ડોનેશિયામાં થયેલા બસ અકસ્માતના વીડિયોને મેઘાલયના નામે વાયરલ કરવામાં આવી રહ્યો.... જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: False