શું ખરેખર પોલીસ દ્વારા મહિલાઓ માટે નિ:શુલ્ક સવારીની યોજના શરૂ કરવામાં આવી છે...? જાણો શું છે સત્ય…
Krunal A Pandya નામના ફેસબુક યુઝર દ્વારા 6 ડિસેમ્બર,2019 ના રોજ સોનેરી સુવિચાર / SONERI SUVICHAR નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પોલીસે નિ:શુલ્ક સવારી યોજના શરૂ કરી છે જ્યાં કોઈપણ મહિલાઓ કે જેઓ એકલી હોય અને રાત્રે 10 થી 6 વાગ્યા સુધી ઘરે જવા માટે વાહન ન મેળવી શકતી હોય તે પોલીસ હેલ્પલાઇન નંબર્સ (1091 અને 7837018555) પર કોલ કરી શકે છે અને વાહનની વિનંતી કરી શકે છે. તેઓ 24×7 કામ કરશે. કંટ્રોલરૂમનું વાહન અથવા નજીકનું પીસીઆર વાહન / એસએચઓ વાહન તેને સુરક્ષિત રૂપે તેના લક્ષ્યસ્થાન પર મૂકી દેશે. આ સંદેશ તમે જાણો છો તે દરેકને આપો. આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોલીસ દ્વારા નિ:શુલ્ક સવારી યોજના શરૂ કરવામાં આવી છે જેમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કોઈ પણ મહિલા 1091 અને 787018555 હેલ્પલાઈન નંબર પર કોલ કરીને મદદ માગીને પોતાના લક્ષ્યસ્થાન પર પહોંચી શકે છે. આ પોસ્ટને 91 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 3 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 56 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતીને અન્ય ઘણા લોકો દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબશું ખરેખર પોલીસ દ્વારા આ પ્રકારની કોઈ સેવા શરૂ કરવામાં આવી છે કે કેમ? એ જાણવા સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ 787018555 સર્ચ કરતાં અમને ઘણા બધા પરિણામો મળ્યા હતા. આ પરિણામોમાં અમને ndtv.com દ્વારા 2 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, લુધિયાના પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે રાત્રિના 10 થી સવારે 6 વાગ્યા સુધી નિ:શુલ્ક સવારીની યોજના શરૂ કરવામાં આવી છે. જેના માટે 1091 અને 7837018555 હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ વધુમાં અમને એ માહિતી પ્રાપ્ત થઈ હતી કે, આ યોજના ફક્ત લુધિયાના પૂરતી જ મર્યાદિત છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. hindustantimes.com | Archive | hindi.news18.com | Archive
ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે સંપર્ક કરતાં અમારી વાત ફરજ પરના અધિકારી સાથે થઈ હતી. તેમને આ સમગ્ર માહિતી અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે આ પ્રકારની કોઈ સુવિધા હાલમાં સરૂ કરવામાં નથી આવી. તેમજ ગુજરાત રાજ્યમાં મહિલાઓ માટે 181 હેલ્પલાઈન નંબર ઉપલબ્ધ છે. જેમાં મહિલાઓ ઘરેલુ હિંસા કે કોઈ પણ સમયે પોલીસ મદદ મેળવવા માટેના કિસ્સામાં આ નંબર પર કોલ કરી શકે છે. 1091 એ એક રાષ્ટ્રીય નંબર છે જેને મહિલા કમિશન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે.”
અમારી વધુ તપાસમાં અમને નાગપુર સીટી પોલીસ દ્વારા 4 ડિસેમ્બર, 2019 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, નાગપુર પોલીસ દ્વારા પણ લુધિયાનાની જેમ જ મહિલાઓ માટે નિ:શુલ્ક સવારી તેમજ સહાયતા માટે 100, 1091 અને 07122561103 હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.
આ તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 1091 મહિલા હેલ્પલાઈન નંબર એ એક રાષ્ટ્રીય નંબર છે જ્યારે 7837018555 નંબર એ ફક્ત લુધિયાનાની મહિલાઓ માટે જ શરૂ કરવામાં આવેલી યોજના છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 1091 મહિલા હેલ્પલાઈન નંબર એ એક રાષ્ટ્રીય નંબર છે જ્યારે 7837018555 નંબર એ ફક્ત લુધિયાનાની મહિલાઓ માટે જ શરૂ કરવામાં આવેલી યોજના છે.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર પોલીસ દ્વારા મહિલાઓ માટે નિ:શુલ્ક સવારીની યોજના શરૂ કરવામાં આવી છે... જાણો શું છે સત્ય… ?
Fact Check By: Vikas VyasResult: Partly False