Fake News: બાળકી પર ગાયના હુમલાનો આ વીડિયો ગુજરાતના કોઈ પણ શહેરનો નથી... જાણો શું છે સત્ય....
શાળાની વિર્દ્યાર્થીની પર ગાયના હુમલાનો આ વીડિયો જામનગર, અમદાવાદ કે ગુજરાતના કોઈપણ શહેરનો નથી. આ વીડિયો તામિલનાડુના ચેન્નાઈનો છે.
હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં શાળાએથી પરત ફરી રહેલી એખ બાળકી પર શેરીમાં રખડતી બે ગાયો દ્વારા હુમલો કરવામાં આવે છે. ત્યા હાજર સ્થાનિકો દ્વારા આ બાળકીને બચાવવામાં આવે છે. પરંતુ આ બાળકીને ગંભીર ઈજા પહોંચી હોવાનું જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગાય દ્વારા કરવામાં આવેલા આ હુમલાનો વીડિયો ગુજરાતના જામનગર શહેરના દિગ્વિજિય પ્લોટનો વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ખેડૂત માહિતી ગ્રુપ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓગસ્ટ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગાય દ્વારા કરવામાં આવેલા આ હુમલાનો વીડિયો ગુજરાતના જામનગર શહેરના દિગ્વિજિય પ્લોટનો વીડિયો છે.”
Facebook | Fb Page Archive | FB Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Mirror now દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વીડિયો પ્રસારિત કરી અમને માહિતી આપવામાં આવી હતી કે, “ચેન્નાઈમાં એક શાળાની વિદ્યાર્થીની પર ગાય દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો. 9 વર્ષની બાળકી તેની માતા અને ભાઈ સાથે ઘરે પરત ફરી રહ્યી હતી, ત્યારે અચાનક એક ગાયે તેના પર હુમલો કર્યો. ગાયે તેના શિંગડા વડે છોકરીને ઉપાડી અને તેને ફેંકી દીધી, વારંવાર તેના પર હુમલો કર્યો.”
તેમજ વધુ સર્ચ કરતા અમને ન્યુઝ 18 તામિલનાડુ દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલમાં ઘાયલ બાળકીનો ફોટો પ્રસારિત કરવામાં આવ્યો હતો અને સ્થાનિકનોના અને આ દ્રશ્યો જોનારા લોકોના નિવેદન પણ આ અહેવાલમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ ધ હિન્દુ દ્વારા પ્રસારિત અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, “આ છોકરીની ઓળખ જે. આયશા તરીકે થઈ છે, જે ચુલાઈમેડુના ગાંધીનગરની ચોથી ધોરણની વિદ્યાર્થીની છે. બુધવારે, જ્યારે તે તેની માતા અશરિન બાનુ અને તેના પાંચ વર્ષના ભાઈ સાથે એમએમડીએ કોલોનીમાં ઈલાન્ગો સ્ટ્રીટ પર ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન પાર્ક પાસે જઈ રહી હતી, ત્યારે તેના પર હુમલો કર્યો.”
તેમજ પોલીસના જણાવ્યા અનુસાર ગાયના માલિક અરૂમ્બક્કમના 26 વર્ષીય એસ. વિકીની બેદરકારીભર્યા વર્તનથી જનતાના જીવને જોખમમાં નાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના અમદાવાદ કે જામનગરનો નહિં પરંતુ તામિલનાડુના ચેન્નાઈનો છે. જે અગે પોલીસ ફરિયાદ થયા બાદ ગાય માલિકની ધરપકડ પણ કરવામાં આવી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:Fake News: બાળકી પર ગાયના હુમલાનો આ વીડિયો ગુજરાતના કોઈ પણ શહેરનો નથી... જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: False