
C M Manani નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બહેરીન ના રાજા નું તેના બોડીગાર્ડ રોબોટ સાથે દુબઈમાં આગમન આ રોબોટમાં ૩૬૦ કેમેરા અને ઈનબીલ્ટ પીસ્તોલ્સ ફીટ કરેલ છે…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બહેરીનના રાજા અને તેમના બોડીગાર્ડનું દુબઈમાં આગમન થયું તેનો છે. આ પોસ્ટને 10 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બહેરીનના રાજા અને તેમના બોડીગાર્ડનું દુબઈમાં આગમન થયું તેનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને રોબોટ પર ‘ETIMAD’ એવું લખેલું જોવા મળ્યું હતું. તેમજ રોબોટ પર દેખાઈ રહેલો ધ્વજ યુએઈનો હોવાનું માલૂમ પડ્યું હતું. અમારી વધુ તપાસમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને આ વીડિયો યુટ્યુબ પર વર્ષ 2019 માં જુદા જુદા લખાણ સાથે અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 18 ફેબ્રુઆરી, 2019 ના રોજ Khaleej Times દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટમાં પ્રાપ્ત થયો હતો. આ ટ્વિટમાં એવી માહિતી આપવામાં આવી છે કે, આ વીડિયો દુબઈમાં યોજાયેલા ડિફેન્સ શો દરમિયાન કરવામાં આવેલા સંરક્ષણ પ્રદર્શનનો છે. આ રોબોટ વિશેની જાણકારી વિકિપીડિયા પર પણ ઉપલબ્ધ છે.
ખલીજ ટાઈમ્સમાં છપાયેલા સમાચાર તમે નીચે જોઈ શકો છો.

નીચે તમે વીડિયોમાં દેખાતા વ્યક્તિ અને બહેરીનના રાજા હમાદ બિન ઈસા અલ ખલીફા વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બહેરીનના રાજા અને તેના બોડીગાર્ડ રોબોટનો નહીં પરંતુ ટાઈટન બ્રિટિશ રોબોટિક્સ કંપની દ્વારા વિકસાવવામાં આવેલા રોબોટનો આ વીડિયો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બહેરીનના રાજા અને તેના બોડીગાર્ડ રોબોટનો નહીં પરંતુ ટાઈટન બ્રિટિશ રોબોટિક્સ કંપની દ્વારા વિકસાવવામાં આવેલા રોબોટનો આ વીડિયો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર બહેરીનના રાજાનો બોડીગાર્ડ રોબોટ છે..? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
