
તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક લડાકુ વિમાન પર હુમલો કરી રહેલ મિસાઈલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેન દ્વારા રશિયાના લડાકુ વિમાન પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો નહીં પરંતુ Arma 3 નામની એક કોમ્પ્યુટર ગેમનો છે. આ વીડિયોને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
News18 Gujarati નામના ફેસબુક પેજ દ્વારા 26 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો આર્ટિકલના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે ફ્રાન્સનું નિવેદન, દુનિયા લાંબી લડાઈ લડવા તૈયાર રહે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેન દ્વારા રશિયાના લડાકુ વિમાન પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમને એ જાણવા મળ્યું હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સમાચારને પગલે ફેસબુક ગેમિંગ ચેનલોએ આ વિષય પર યુદ્ધને લગતી રમતોને સક્રિયપણે સ્ટ્રીમ કરવાનું શરૂ કર્યું. આ ગેમમાં બે ટીમોના નામ પણ બંને રાષ્ટ્ર વચ્ચે ચાલી રહેલા યુદ્ધની જેમ જ આપવામાં આવી રહ્યા છે. આ રમતના દ્રશ્યો સ્ક્રીન પર રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા વાસ્તવિક હવાઈ હુમલાના દ્રશ્યો તરીકે પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. આ તમામ દ્રશ્યો Arma 3 નામની એક કોમ્પ્યુટર ગેમના છે જેને વાસ્તવિક રુપે દર્શાવવામાં આવી રહ્યા છે.
સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો કમ્પેર્ડ કમ્પેરિજન નામની એક યુટ્યુબ ચેનલ પર 6 જાન્યુઆરી, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં આ વીડિયો Arma 3 નામની એક કોમ્પ્યુટર ગેમનો હોવાની માહિતી આપવામાં આવી છે,
ફેક્ટ ક્રેસેન્ડો દ્વારા અંગ્રેજી ભાષામાં પણ (23 ફેબ્રુઆરી)ના રોજ આવા જ એક વીડિયોની સત્યતા તપાસવામાં આવી હતી. આ વીડિયો Arma 3 ગેમના દ્રશ્યો પર આધારિત હતો. અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે, News18 Gujarati દ્વારા યુક્રેનમાં રશિયાના લડાકુ વિમાન પર હુમલો કરવાના નામે ફેસબુક ગેમિંગ ચેનલ કાકરોટ ગેમિંગ પર પ્રસારિત થતી સમાન ગેમના ફૂટેજ ફરતા કર્યા હતા.
નીચે તમે વાયરલ વીડિયો અને Arma 3 ગેમના વીડિયોના સ્ક્રીનશોટની સમાનતા જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો નહીં પરંતુ Arma 3 નામની એખ કોમ્પ્યુટર ગેમનો છે. આ વીડિયોને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Title:એક વીડિયો ગેમનો વીડિયો યુક્રેન દ્વારા રશિયાના લડાકુ વિમાનને તોડી પાડવાના પ્રયાસને નામે વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Misleading
