શું ખરેખર આ વીડિયો કોરોના વાયરસનો છે...? જાણો શું છે સત્ય…
Gujarat Speed નામના ફેસબુક પેજ દ્વારા રા 27 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના વાયરસ, વાયરસનું ખૂબ જ નવું જીવલેણ સ્વરૂપ, ચાઇના પીડિત છે, તુરંત જ ભારત આવી શકે છે, કોઈ પણ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ, આઇસક્રીમ, કુલ્ફી, વગેરે, કોઈપણ પ્રકારના સચવાયેલા ખોરાક, મિલ્કશેક, રફ બરફ, આઇસ આઇસ, દૂધની મીઠાઈઓ 48 કલાક કરતાં વધુ જૂની ટાળશો. Share this Video. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કોરોના વાયરસનો છે. આ પોસ્ટને 60 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 3 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. 25000 થી વધુ લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 225 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયો કોરોના વાયરસનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને Blackheads Removerદ્વારા 25 ઓક્ટોમ્બર, 2019 ના રોજ યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની નીચે અંગ્રેજી ભાષામાં એવું લખેલું હતું કે, હોઠ પરથી બોટ ફ્લાયને ગજબ રીતે દૂર કરવામાં આવ્યો. આ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો ઓક્ટોમ્બર 2019 નો છે જ્યારે કોરોના વાયરસનો પહેલો કેસ મધ્ય ચીનમાં ડિસેમ્બર 2019 માં મળી આવ્યો હતો. તેથી આ વીડિયો વાયરસ ફેલાયો એ પહેલાનો હોવાનું સાબિત થાય છે. 2015 માં પણ એક આવો જ વીડિયો વાયરલ થયો હોવાની માહિતી અમને પ્રાપ્ત થઈ હતી. dailymail.co.uk દ્વારા આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. સમાચારમાં જણાવ્યા મુજબ આ રીતે એક મહિલાના હોઠમાંથી કીડો નીકાળવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે મહારાષ્ટ્ર સરકારમાં સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક ડૉ.પ્રદીપ આવટેનો સંપર્ક કર્યો હતો. તેમને આ વીડિયો અંગે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, “કોરોના વાયરસને કારણે શરીરમાંથી આ પ્રકારના કોઈ જ જીવજંતુ નીકળતા નથી. આ માહિતી તદ્દન ખોટી છે. સાંધાનો દુ:ખાવો તેમજ તાવ એ કોરોના વાયરસના સામાન્ય લક્ષણો છે.”
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કોરોના વાયરસનો નથી. કોરોના વાયરસને લીધે આ પ્રકારે શરીરમાંથી કોઈ જીવજંતુ બહાર નીકળતું નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કોરોના વાયરસનો નથી. કોરોના વાયરસને લીધે આ પ્રકારે શરીરમાંથી કોઈ જીવજંતુ બહાર નીકળતું નથી એવું મહારાષ્ટ્ર રાજ્યના આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડૉ.પ્રદીપ આવટે દ્વારા જણાવવામાં આવ્યું હતું.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર આ વીડિયો કોરોના વાયરસનો છે...? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False