શું ખરેખર ચીન દ્વારા કોરોના વાયરસના દર્દીઓ માટે 19 દિવસમાં 57 માળની હોસ્પિટલ બનાવવામાં આવી…?

Coronavirus False આંતરરાષ્ટ્રીય I International તબીબી I Medical

‎‎Jatin Dave નામના ફેસબુક યુઝર દ્વારા રા 31 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચીને ફક્ત 57 માળની નવી હોસ્પિટલ ખાસ કરીને વાયરસ કોરોના દર્દીઓ માટે બનાવી છે. ફક્ત 16 કલાકમાં તેઓએ પ્રથમ કેટલાક માળ પૂર્ણ કર્યા. 19 દિવસમાં તેઓએ પાણીની સપ્લાય અને ઇલેક્ટ્રિક પાવર અને હોસ્પિટલનાં તમામ ઉપકરણો સહિતની તમામ 57 માળની હોસ્પિટલ પૂર્ણ કરી. નીચેની વિડિઓ જુઓ. મને નથી લાગતું કે યુએસ અથવા જાપાન સહિત કોઈપણ દેશ આનું સ્વપ્ન જોશે. ધ ગાર્ડિયન અને વ Wallલ સેન્ટ જર્નલ દ્વારા પુષ્ટિ મળી. હે ભગવાન! આશ્ચર્ય નથી કે તેઓ વિશ્વ બીટર્સ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીન દ્વારા ફક્ત 19 દિવસમાં જ કોરોના વાયરસના દર્દીઓ માટે તૈયાર કરવામાં આવેલી હોસ્પિટલનો છે. આ પોસ્ટને 6 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. 72 લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયો ચીનમાં કોરોના વાયરસના દર્દીઓ માટે માત્ર 19 દિવસમાં બનાવવામાં આવેલી 57 માળની હોસ્પિટલનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગગલનો સહારો લઈને china build 57 floors hospital in 19 days સર્ચ કરતાં અમને abcnews.go.com દ્વારા 11 માર્ચ, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, દક્ષિણ ચીનના હુનાન પ્રાંતના ચાંગશામાં 57 માળનું ટાવર 19 દિવસમાં બનાવવામાં આવ્યું હતું. આ કામ દરરોજના 3 માળની ગતિએ 19 દિવસમાં પૂર્ણ થયું હતું. આ સંપૂર્ણ સમાચારમાં ક્યાંય પણ કોરોના વાયરસનો ઉલ્લેખ જોવા મળ્યો ન હતો. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-abcnews.go.com-2020.02.04-10_32_35.png

Archive

અમારી વધુ તપાસમાં અમને Guardian News દ્વારા ચીનના હુનાન પ્રાંતના ચાંગશામાં ચીનની એક કન્સ્ટ્રક્શન કંપની દ્વારા માત્ર 19 દિવસમાં 57 માળનું ટાવર બનાવવામાં આવ્યું હતું એ માહિતી સાથેનો વીડિયો યુટ્યુબ પર 30 એપ્રિલ, 2015 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

વધુમાં અમને એ માલૂમ પડ્યું હતું કે, ચીનમાં બાંધવામાં આવેલી 57 માળની ઈમારત બ્રોડ નામની એક કંપની દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જેની વેબસાઈટ http://www.broad.com/ પર તમે આ બિલ્ડીંગના અન્ય વીડિયો પણ જોઈ શકો છો. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો જૂનો છે અને કોરોના વાયરસ આવ્યો એ પહેલાનો છે. જેને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી.

ડિસેમ્બર 2019 માં કોરોના વાયરસનો પ્રથમ દર્દી મધ્ય ચીનમાં મળી આવ્યો હતો. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એ પહેલાનો છે.

ચીને 10 દિવસમાં કોરોના વાયરસના દર્દીઓ માટે 1000 બેડની હોસ્પિટલ બનાવવાનું કામ શરૂ કર્યું છે.
CGTN ના સમાચાર અહેવાલ મુજબ આ હોસ્પિટલનું કાર્ય 5 ફેબ્રુઆરી, 2020 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનમાં કોરોના વાયરસના દર્દીઓ માટે બાંધવામાં આવેલી હોસ્પિટલનો નહીં પરંતુ વર્ષ 2015 માં ચીનની એક કંપની દ્વારા બાંધવામાં આવેલી ઈમારતનો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનમાં કોરોના વાયરસના દર્દીઓ માટે બાંધવામાં આવેલી હોસ્પિટલનો નહીં પરંતુ વર્ષ 2015 માં ચીનની એક કંપની દ્વારા બાંધવામાં આવેલી ઈમારતનો છે. જેને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ચીન દ્વારા કોરોના વાયરસના દર્દીઓ માટે 19 દિવસમાં 57 માળની હોસ્પિટલ બનાવવામાં આવી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False