તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિના ઘણા બધા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડના ચમોલી ખાતે ઝરણાના ધોધના પાણીમાં નાહી રહેલા લોકો પર ઉપરથી થયેલા ભૂસ્ખલનને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં ભૂસ્ખલનને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો અને ભારતનો નહીં પરંતુ ઈન્ડોનેશિયા ખાતે ફેબ્રુઆરી મહિનામાં બનેલી ઘટનાનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Surat city Channel નામના ફેસબુક યુઝર દ્વારા 21 ઓગસ્ટ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ઘટના પણ સામે આવી છે, ચમોલી પોલીસે હચ મચાવી દે તેવો વીડિયો શેર કર્યો છે, જેમાં વરસાદમાં લોકોને ધોધથી દૂર રહેવાનું સૂચન કર્યું હતું. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડના ચમોલી ખાતે ઝરણાના ધોધના પાણીમાં નાહી રહેલા લોકો પર ઉપરથી થયેલા ભૂસ્ખલનને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ખરેખર ચમોલી પોલીસ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે કે કેમ? એ જાણવા માટે જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ચમોલી પોલીસ ઉત્તરાખંડ દ્વારા આજ વીડિયો 20 ઓગસ્ટ, 2023 ના રોજ તેમના સત્તાવાર ટ્વિટર પર મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વરસાદની ઋતુમાં પહાડોમાંતી નીકળતા ઝરણાના નીચે નાહવા જતાં સાવધાની રાખો. પરંતુ આ વીડિયો સાથે ક્યાંય પણ એવી માહિતી નહતી આપવામાં આવી કે, આ વીડિયો ઉત્તરાખંડના ચમોલીનો છે.

આ વીડિયોની વધુ તપાસ માટે અમે અમારી તપાસ આગળ વધારતાં અમને આજ વીડિયો એક યુટ્યુબ યુઝર દ્વારા 27 ફેબ્રુઆરી, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઈન્ડોનેશિયાના એક ધોધ ખાતે ભૂસ્ખલનને કારણે પ્રવાસીનું મોત થયું.

ત્યાર અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો સાથેના સમાચાર mustsharenews.com દ્વારા 16 ફેબ્રુઆરી, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના 14 ફેબ્રુઆરી, 2023 ના રોજ બપોરે 3 વાગે પૂર્વ જાવા પ્રાંતના સેદુદો ઝરણા ખાતે બની હતી. જેમાં અગુસ સેતિવાન નામનો એક 43 વર્ષનો વ્યક્તિ તેના અન્ય પાંચ મિત્રો સાથે ઝરણા ખાતે ફરવા ગયા હતા. આ ઝરણામાં નહાતી વખતે ઉપરથી માટીનો એક મોટો ટુકડો તેમના ઉપર પડ્યો હતો જેમાં અગુસ સેતિવાનનું મોત થયું હતું.

આજ માહિતી અને વીડિયો સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. news.detik.com | yardhype.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વાદળ ફાટવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો અને ભારતનો નહીં પરંતુ ઈન્ડોનેશિયા ખાતે 7 વર્ષ પહેલાં બનેલી ઘટનાનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો ઝરણામાં નાહી રહેલા લોકો પર થયેલા ભૂસ્ખલનના વાયરલ વીડિયોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: False