જાણો ટ્રેનને ધક્કો મારી રહેલા જવાનોના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટ્રેનને ધક્કો મારી રહેલા કેટલાક જવાનો અને લોકોને એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રેન બંધ પડી જતાં રેલવેના કર્મચારીઓ અને જવાનો દ્વારા ધક્કો મારીને ટ્રેનને ચાલુ કરવામાં આવી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં ટ્રેનને એટલા માટે ધક્કો મારવામાં આવી રહ્યો છે કે આ ટ્રેનમાં આગ લાગી હોવાથી જે ડબાઓમાં આગ નથી લાગી તેને ટ્રેનથી અલગ કરવામાં આવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Gujarat News Network નામના ફેસબુક યુઝર દ્વારા 10 જુલાઈ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ભારતીય રેલવેના અવારનવાર વીડિયો સામે આવે છે. ક્યારેક ટ્રેનની અંદર મુસાફરોની ભીડનો તો ક્યારેક બોગીની અંદર લડતા લોકોના વીડિયો સામાન્ય બની ગયા છે. પરંતુ આ દિવસોમાં ટ્રેનને ધક્કો મારતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ટ્રેનને ધક્કો મારવામાં આવી રહ્યો છે, વીડિયોમાં એખ ટ્રેન પાટા પર ઉભી છે અને ટ્રેન બંધ પડતા રેલવે કર્મી જવાનોની મદદ લેવી પડે છે અને સૈનિકો ટ્રેનને ધક્કો મારીને ચાલુ કરે છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રેન બંધ પડી જતાં રેલવેના કર્મચારીઓ અને જવાનો દ્વારા ધક્કો મારીને ટ્રેનને ચાલુ કરવામાં આવી હતી.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના સહારાથી સર્ચ કરતાં અમને PIB Fact Check દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેની ટ્વિટ 10 જુલાઈ, 2023 ના રોજ કરવામાં આવી હતી. જેની સાથે શીર્ષકમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વાયરલ વીડિયોમાં જે દાવો કરવામાં આવ્યો છે એ ભ્રામક છે. સેના અને પોલીસ કર્મચારીઓ દ્વારા ટ્રેન નંબર 12703 ફલકનુમા એક્સપ્રેસને ધક્કો મારીને શરૂ કરવામાં આવી ન હતી. બલ્કે આ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી, જેને ખોટી રીતે પ્રસારિત કરવામાં આવી રહી છે. 

ઘટનાને જોતા ટ્રેનના અન્ય કોચને આગથી બચાવવા માટે તાત્કાલિક એક અલગ એન્જિનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાં હાજર પોલીસ રેલવે કર્મચારીઓએ એન્જિનના આગમનની રાહ જોયા વિના, પોતાના પ્રયાસોથી બાકીના કોચને અલગ કરીને મોટી દુર્ઘટના ટાળી હતી.

આ દરમિયાન અમને સાઉથ સેન્ટ્રલ રેલવેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આજ વીડિયો સંબંધિત એક પોસ્ટ મળી. આ પોસ્ટમાં દક્ષિણ મધ્ય રેલવેએ વાયરલ વીડિયો સાથે કરવામાં આવેલા દાવાનું ખંડન કર્યું છે.

આ સિવાય અમને રેલવેના પ્રવક્તા દ્વારા કરવામાં આવેલું એક ટ્વિટ મળ્યું. જેમાં તેમણે વાયરલ વીડિયો અંગે કાયદાકીય ખુલાસો કર્યો છે. વાસ્તવમાં આ ટ્રેન નંબર 12703 ફલકનુમા એક્સપ્રેસ છે, જેને જવાનો દ્વારા ધક્કો મારવામાં આવી રહ્યો છે. પરંતુ ટ્રેન શરૂ ન થવા સાથે તેને કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે, આ દાવો ભ્રામક છે અને ઘટના 7 જુલાઈ, 2023ના રોજ ટ્રેનમાં લાગેલી આગની છે, જેને ખોટી રીતે પ્રસારિત કરવામાં આવી રહી છે.

અમારી વધુ તપાસમાં અમને ટીવી9 ગુજરાતી દ્વારા 7 જુલાઈ 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, તેલંગાણાના યદાદદરી જિલ્લામાં પડિગીપલ્લી અને બોમાઈપલ્લી નજીક મુસાફરોથી ભરેલી ફલકનુમા એક્સપ્રેસ ટ્રેનના ત્રણ બોગીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પશ્ચિમ બંગાળના હાવડાથી સિકંદરાબાદ જઈ રહેલી ફલકનુમા એક્સપ્રેસના ત્રણ ડબ્બામાં આગ લાગતા ચારેબાજુ ખળભળાટ મચી ગયો હતો. આપને જણાવી દઈએ કે ટ્રેનના ત્રણ કોચમાં આગ લાગ્યા બાદ તે ફેલાઈ ગઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં ટ્રેનને એટલા માટે ધક્કો મારવામાં આવી રહ્યો છે કે આ ટ્રેનમાં આગ લાગી હોવાથી જે ડબાઓમાં આગ નથી લાગી તેને ટ્રેનથી અલગ કરવામાં આવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો ટ્રેનને ધક્કો મારી રહેલા જવાનોના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

Written By: Vikas Vyas 

Result: False