શું ખરેખર આ વીડિયો ચીન ખાતે આવેલા શિવ મંદિરનો છે...? જાણો શું છે સત્ય…
Harshit Kotak નામના ફેસબુક યુઝર દ્વારા 1 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમરનાથ યાત્રા કરતા પણ કઠિન યાત્રા ધરાવતું એક શિવ મંદિર ચાઇનામાં માઉન્ટ હુઆના ખાતે આવેલું છે આ વિશ્વ વિખ્યાત ભગવાન શિવ મંદિરની યાત્રા વખતે તેના ખતરનાક વળાંક વાળા ટોચની ટેકરીઓ અને રોમાંચક યાત્રા દરમ્યાન તમને શિવનો સાક્ષાત્કાર જરૂર થાય છે અને કુદરતી વળાંકો, પહાડોની ઉચ્ચાઈઓ અને અલ્હાદક વાતાવરણ કુદરની અદભુત કરામત અને રમણીય વાતાવરણ આપને શિવનો સાક્ષાત્કાર કરાવે છે અને મંદિર પર પહોંચ્યા પછી દર્શન કરતી વખતે અનુભવ થાય કે શા માટે શિવને દેવોના દેવ કે દેવાધિદેવ કહેવાય? આટલી ઉંચાઈએ અને આટલા બર્ફીલા પહાડો વચ્ચે અતિ કઠિન યાત્રા પછી જીવને શિવનું મિલન થાય ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થાય ત્યારે જીવનની ધન્યતા અનુભવાય...... અચૂક જોશો વિડિઓ તો પણ દિલ ખુશ થશે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ચીનના માઉન્ટ હુઆશાન ખાતે આવેલા શિવ મંદિરનો છે. આ પોસ્ટને 20 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 365 લોકો દ્વારા વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનમાં આવેલા શિવ મંદિરનો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને Shiv Temple at China સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ ઠોસ માહિતી મળી નહતી. તેથી અમે અમારી તપાસ આગળ વધારી હતી. જુદા જુદા કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને atlasobscura.com નામની એક વેબસાઈટ દ્વારા પોસ્ટમાં વીડિયોમાં જે મંદિર દેખાઈ રહ્યું છે તેજ ફોટો સાથે એક આર્ટિકલ પ્રસારિત કર્યો હતો. જેમાં પર્વતની ટોચ પર આવેલા મંદિર બુદ્ધિસ્ટ અને દાઓઈસ્ટ હોવાની માહિતી આપવામાં આવી છે. આ આર્ટિકલ તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને BEYOND THE HORIZON નામની યુટ્યૂબ ચેનલ પર પોસ્ટમાં જે મંદિરનો વીડિયો મૂકવામાં આવ્યો છે તેનો જ એક બીજો વીડિયો પ્રાપ્ત થયો હતો. તેમાં પણ આ મંદિર દાઓઈસ્ટ હોવાની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત આ વીડિયોમાં ક્યાંય પણ આ મંદિર ભગવાન શિવનું છે એવી માહિતી આપવામાં નથી આવી. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને funzug.com નામની એક ચીનની વેબસાઈટ પર પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતા મંદિરની માહિતી આપવામાં આવી છે. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, માઉન્ટ હુઆ, અથવા હુઆશાન, શાનસી પ્રાંતના હ્યુઆઈન શહેરની નજીક સ્થિત એક પર્વત છે, જે શીઆનથી લગભગ 120 કિલોમીટર (75 માઇલ) પૂર્વમાં છે. તે ચીનના પાંચ મહાન પર્વતોમાંનો એક છે, અને તેનો ધાર્મિક મહત્વનો લાંબો ઇતિહાસ છે. તેના મૂળમાં ત્રણ શિખરો હોવાના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે, આધુનિક સમયમાં પર્વતને પાંચ મુખ્ય શિખરો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે, જેમાંથી સૌથી વધુ 2,154.9 મીટર (7,070 ફુટ) ઊંચાઈ ધરાવતું દક્ષિણ શિખર છે.
વધુ માહિતીમાં એ પણ લખેલું છે કે, BCE ની બીજી શતાબ્દીની શરૂઆતમાં, ત્યાં એક દાઓઇસ્ટ મંદિર હતું જે તેના પાયા પર સ્થિત પશ્ચિમી શિખરના મંદિર તરીકે ઓળખાય છે. દાઓઇસ્ટ માનતા હતા કે પર્વતમાં અન્ડરવર્લ્ડનો દેવ રહે છે. આ સંપૂર્ણ માહિતી તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત અહેવાલમાં તમે પોસ્ટના વીડિયોમાં દેખાતી રોપ-વે, મંદિર તેમજ અન્ય દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકો છો.
પોસ્ટના વીડિયોમાં દેખાતું મંદિર દાઓઈસ્ટ મંદિર અને પાશ્ચાત્ય શિખરો ધરાવતું એક મંદિર છે. આ માહિતી તમે વિકીપિડીયા પર પણ જોઈ શકો છો. તેમજ આ માહિતી દર્શાવતા અન્ય સમાચાર તમે અહીં જોઈ શકો છો.
china-tours-online.com | Archive | topchinatravel.com | Archive
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનમાં આવેલા શિવ મંદિરનો નહીં પરંતુ દાઓઈસ્ટ મંદિરનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનમાં આવેલા શિવ મંદિરનો નહીં પરંતુ દાઓઈસ્ટ મંદિરનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર આ વીડિયો ચીન ખાતે આવેલા શિવ મંદિરનો છે...? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False