શું ખરેખર વીડિયોમાં દેખાતી મહિલા હૈદરાબાદની દુષ્કર્મ પીડિતા છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

‎‎‎KB Entertainment નામના ફેસબુક પેજ દ્વારા 12 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ શ્રીમતી ડૉ. દિવ્યા અલોલા રેડ્ડી છે, જેને હૈદરાબાદ માં નરાધમો એ મારી નાખી, તમે જુઓ, કેટલું પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે…ભગવાન એમના આત્મા ને શાંતિ આપે.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વીડિયોમાં દેખાતી મહિલા તાજેતરમાં હૈદરાબાદમાં બનેલી દુષ્કર્મની ઘટનાની પીડિતા છે. આ પોસ્ટને 3 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 26 લોકો દ્વારા વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી મહિલા તાજેતરમાં હૈદરાબાદમાં બનેલી દુષ્કર્મની ઘટનાની પીડિતા છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં આ મહિલાનું નામ ક્ષીમતી અલ્લોલા દિવ્યા રેડ્ડી બતાવવામાં આવ્યું છે. અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું કે, આ વીડિયો 1 જૂન, 2018 ના રોજ દિલ્હીમાં આયોજીત રાષ્ટ્રીય ગોપાલરત્ન પુરસ્કાર સમારોહનો છે. આ વીડિયો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, તત્કાલિન કૃષિમંત્રી રાધામોહનસિંહ દ્વારા દેશી ગાયોની સારસંભાળ તેમજ દૂધની ગુણવત્તામાં યોગદાન માટે શ્રીમતી અલ્લોલા દિવ્યા રેડ્ડીને ગોપાલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2014 થી આ પુરસ્કાર દર વર્ષે એ લોકોને આપવામાં આવે છે જેઓ ગૌ પાલન અને તેના અનુસંધાન માટે કામ કરે છે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

શ્રીમતી અલ્લોલા દિવ્યા રેડ્ડી વિશે વધુ જાણકારી માટે અમે જુદા જુદા કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, અલ્લોલા દિવ્યા રેડ્ડી એ તેલંગાનાની રહેવાસી છે. તેણીએ ક્લિમોમ કંપનીના નામે એક ડેરી વ્યવસાય શરૂ કર્યો હતો. આ કંપનીની તે સંસ્થાપક અને સીઈઓ છે. તેની કંપની દેશી ગાયનું દૂધ અને તેમાંથી બનતી બનાવટોનું વેચાણ કરે છે. ડેરી ઉદ્યોગમાં અદભૂત સફળતા માટે તેણાને ઘણા બધા પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે. તેની કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર તમે તેના ફોટો અને વીડિયો જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને ABN Telugu ન્યૂઝ ચેનલ દ્વારા અલ્લોલા દિવ્યા રેડ્ડીનું એક ઈન્ટરવ્યૂ પ્રાપ્ત થયું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ધ હંસ ઈન્ડિયા સાથેના એક ઈન્ટરવ્યૂમાં તેમણે પોતાની જીવનયાત્રા વર્ણવી છે. જેમાં દૂધમાં ભેળસેળ અને તેની આડઅસરની બાબતમાં જાણકારી મેળવ્યા બાદ તેમણે તેમના બાળકોને આ પ્રકારનું દૂધ ન આપવાનો નિર્ણય લીધો હતો. તેમણે શુદ્ધ દૂધ કેવી રીતે મળે? એ વિચાર સાથે તેણે એક ગૌશાળાની શરૂઆત કરી હતી. ગૌશાળાનું કાર્ય બહોળા પ્રમાણમાં વિકાસ પામ્યું અને તે ક્લિમોમ નામના એક વ્યવસાયમાં પરિણમ્યું હતું. 

Archive

વધુમાં અમને વર્ષ 2018 માં ક્લિમોમને ગૌશાળાને શુધ્ધ અને ગુણવત્તાસભર દૂધ પૂરું પાડવા માટે ગોપાલ રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયાના એક સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને Klimom Wellness & Farms નું ફેસબુક પેજ પણ પ્રાપ્ત થયું હતું જે તમે અહીં જોઈ શકો છો. Facebook | Archive

ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, અલ્લોલા દિવ્યા રેડ્ડી એ એક પરિણીત મહિલા છે અને તેને બાળકો પણ છે. જ્યારે હૈદરાબાદ દુષ્કર્મ પીડિતા 26 વર્ષની હતી અને 27 નવેમ્બર, 2019 ના રોજ તેની સાથે સામૂહિત દુષ્કર્મની ઘટના બની હતી અને તેને સળગાવીને મારી નાંખવામાં આવી હતી. તે એક પશુચિકિત્સક હતી અને અવિવાહિત હતી. ફેક્ટ ક્રેસેન્ડોની ટીમને સાયબર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વીડિયોમાં દેખાતી મહિલા હૈદરાબાદની દુષ્કર્મ પીડિતા નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, તેલંગાનાની રહેવાસી અલ્લોલા દિવ્યા રેડ્ડી નામની એક દૂધ ઉત્પાદક મહિલાના વીડિયોને હૈદરાબાદ દુષ્કર્મ પીડિતાના નામે ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર વીડિયોમાં દેખાતી મહિલા હૈદરાબાદની દુષ્કર્મ પીડિતા છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

છબીઓ સૌજન્ય: ગુગલ