કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર ચપ્પલ ફેંકવાની ઘટના 6 વર્ષ જૂની છે, તેનો તાજેતરના ચૂંટણી વાતાવરણ સાથે કોઈ સંબંધ નથી….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે, ત્યારે સોશિયલ મીડિયા પર રાજકારણીઓના ઘણા નકલી અને જૂના વીડિયો શેર કરીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારના મંત્રી મનસુખ માંડવિયાનો 10 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ તેના પર જૂતુ ફેંકતો જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં રહ્યો છે કે, “મનસુખ માંડવિયા પર જૂતુ ફેકવાની ઘટના હાલમાં લોકસભા 2024ના પ્રચાર દરમિયાન બનવા પામી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મનસુખ માંડવિયા પર જૂતુ ફેકવાની ઘટના હાલમાં લોકસભા 2024ના પ્રચાર દરમિયાન બનવા પામી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

તપાસની શરૂઆતમાં અમે વાયરલ વીડિયોના કેટલાક સ્ક્રીનશોટ લીધા હતા. મળેલી તસવીરોને રિવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ કરતા, અમને NDTV ઇન્ડિયાની વેબસાઇટ પર વાયરલ વીડિયો મળ્યો. આ સમાચાર 29 મે 2017ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા છે. વાઇરલ વીડિયો રિપોર્ટમાં હાજર છે. આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયોનો વર્તમાન સાથે કોઈ સંબંધ નથી.

પ્રકાશિત સમાચાર અનુસાર, ગુજરાતના ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં આયોજિત સભામાં ભારત માતા કી જયના ​​નારા લગાવતા એક યુવકે મંત્રી પર જૂતા ફેંક્યા હતા. 

એનડીટીવી | સંગ્રહ 

પ્રાપ્ત માહિતીનો સહારો લઈને અમે વધુ તપાસ હાથ ધરી છે. પરિણામે, અમને અહીં, અહીં અને અહીં વાયરલ વિડિઓના સમાચાર મળ્યા. આ તમામ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના 28 મે 2017ની છે. 

પ્રકાશિત અહેવાલો અનુસાર, ગુજરાતના ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં કેન્દ્રીય મંત્રી પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. આ જૂતું પાટીદાર આંદોલનના એક કાર્યકર દ્વારા ફેંકવામાં આવ્યું હતું. જોકે, તે જૂતું કેન્દ્રીય મંત્રીને અડ્યુ ન હોતું. આ ઘટના બાદ ત્યાં હાજર લોકોએ યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. 

વધુ તપાસમાં અમને એબીપી લાઈવ દ્વારા પ્રકાશિત એક અહેવાલ મળ્યો. 29 મે, 2017ના રોજ પ્રસિદ્ધ થયેલા આ અહેવાલ મુજબ, 28 મે, 2017ના રોજ હાર્દિક પટેલની આગેવાની હેઠળની પાટીદાર અનામત આંદોલન સમિતિના ભાવનગર જિલ્લા કન્વીનરએ વલ્લભીપુર નગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર જૂતું ફેંક્યું હતું. આ ઘટના બાદ પોલીસે ભાવેશની ધરપકડ કરી હતી અને તેની સામે આઈપીસીની કલમ 353 અને 186 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 

એબીપી લાઈવ | સંગ્રહ

તેમજ મનસુખ માંડવિયાનો આ વીડિયો હાલનો ગણાવી શેર કરવામાં આવતો હોવાને લઈ દુરપ્રચારને લઈ ચૂંટણી અધિકારીને ભાજપા દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

ઈટીવી ભારત | સંગ્રહ

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો તાજેતરનો નથી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર ચપ્પલ ફેંકવામાં આવતા 6 વર્ષ જૂનો વીડિયો તાજેતરમાં જ ખોટા અને ભ્રામક દાવાઓ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર ચપ્પલ ફેંકવાની ઘટના 6 વર્ષ જૂની છે, તેનો તાજેતરના ચૂંટણી વાતાવરણ સાથે કોઈ સંબંધ નથી….

Fact Check By: Frany Karia 

Result: False