શું ખરેખર આ વીડિયો તાજેતરમાં જાપાનમાં આવેલા હગીબિસ વાવાઝોડાનો છે…? જાણો શું છે સત્ય....
ગુજરાત વરસાદ સમાચાર નામના ફેસબુક પેજ દ્વારા 13 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જાપાન માં ભયંકર તબાહી મચાવતું વાવાઝોડું હેઝીબિશ, પવન ની સ્પીડ ૧૮૦ km. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં જાપાનમાં આવેલા ભયાનક વાવાઝોડા હગીબિસનો છે. આ પોસ્ટને 1200 થી વધુ લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 40000 થી વધુ લોકો દ્વારા વીડિયો જોવામાં આવ્યો હતો. 34 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 533 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Video Archive
સંશોધન
પોસ્ટના વીડિયોમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયો તાજેતરમાં જાપાનમાં આવેલા હગીબિસ વાવાઝોડાનો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના એક સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધતાં મળેલા પરિણામો પરથી અમને એ માલૂમ પડ્યું હતું કે, આ વીડિયો વર્ષ 2014 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
હવે એ પણ જાણવું જરૂરી હતું કે, જાપાનમાં હગીબિસ વાવાઝોડું ક્યારે આવ્યું હતું? તો એ માટે સર્ચ કરતાં અમને વીટીવી ગુજરાતી દ્વારા 14 ઓક્ટોમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેના પરથી અમને એ માલૂમ પડ્યું હતું કે, જાપાનમાં હગીબિસ વાવાઝોડું 13 ઓક્ટોમ્બર, 2019 ના રોજ ત્રાટક્યું હતું. જે ખૂબ જ ભયાનક હતું. જો કે, એવા પણ સમાચાર છે કે વાવાઝોડાની અસર આ પહેલા જાપાનના કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને Murasama નામના એક યુટ્યુબ યુઝર દ્વારા પણ આ વીડિયોને 5 સપ્ટેમ્બર, 2018 ના રોજ Typhoon 21 Jebi Compilation નામના શીર્ષક હેઠળ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. જેમાં આ વીડિયો વર્ષ 2018 માં જાપાનમાં ત્રાટકેલા જેબી વાવાઝોડાનો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. પરંતુ અમારા મત મુજબ આ વીડિયોમાં પણ જુદા જુદા વીડિયોના શોટ્સને ભેગા કરીને બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં બીબીસી ગુજરાતી દ્વારા પણ વર્ષ 2018 માં જાપાનમાં આવેલા જેબી વાવાઝોડાના સમાચારને યુટ્યુબ પર દર્શાવવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ તાજેતરમાં જાપાનમાં આવેલા ભયાનક વાવાઝોડા હગીબિસનો નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2014 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને તે તાજેતરમાં જાપાનમાં આવેલા વાવાઝોડા હગીબિસનો નથી.
છબીઓ સૌજન્ય : ગુગલ
Title:શું ખરેખર આ વીડિયો તાજેતરમાં જાપાનમાં આવેલા હગીબિસ વાવાઝોડાનો છે…? જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False