
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અચાનક જ કેટલાક લોકો ગટરનો સ્લેબ તૂટતાં જમીનમાં પડી ગયા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મુસ્લિમ યુવકે ગેરકાયદેસર દબાણ કરીને બનાવેલી પંચરની દુકાન પર બનેલી આ ઘટના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ રાજસ્થાનના જેસલમેર ખાતે ચૌધરી ટાયર્સના માલિક શ્રવણ ચૌધરીની દુકાન પર બનેલી ઘટનાનો છે જે પોતે એક હિન્દુ વેપારી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
રમણ ભમણ ભમરડો નામના ફેસબુક યુઝર દ્વારા 14 એપ્રિલ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અબ્દુલ એ પંચેર ની દુકાન તો ગટર ના ઢાંકણા પર ગેર કાયદેસર કબજો કરી ને બનાવી હતીપણ એ ને નોતી ખબર કેદોજખ નો રસ્તો અહીંયા થી જાય છે…. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મુસ્લિમ યુવકે ગેરકાયદેસર દબાણ કરીને બનાવેલી પંચરની દુકાન પર બનેલી આ ઘટના છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર hindi.oneindia.com દ્વારા 13 એપ્રિલ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, રાજસ્થાનના જેસલમેરમાં રેલવે સ્ટેશન રોડ પર બાબા બાવડી પાસે શ્રવણ ચૌધરીની ટાયર પંચરની દુકાનમાં વરસાદી પાણી માટે બનાવેલા નાળા પરનો સ્લેબ તૂટતાં પાંચ યુવકો ગટરમાં પડી ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નહતી.

આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. bansalnews.com | enewsmp.com
ઉપરોક્ત સમાચારોમાં આપેલી માહિતી પરથી એ સાબિત થયું હતું કે, જેસલમેરમાં જે પંચરની દુકાન પર આ ઘટના બની હતી તે કોઈ મુસ્લિમની દુકાન નહીં પણ શ્રવણ ચૌધરી નામના એક હિન્દુ યુવકની દુકાન છે.
ત્યાર બાદ અમારી તપાસને મજબૂત બનાવવા માટે અમે સીધો જ શ્રવણ ચૌધરીનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ ઘટના 7 એપ્રિલ, 2022 ના રોજ મારી જ દુકાન પર બની હતી. મારી દુકાનનું નામ ચૌધરી ટાયર્સ છે. આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. વરસાદી પાણી માટે બનાવવામાં આવેલા નાળા પર જે પાટીયા મૂકવામાં આવ્યા હતા એ ખસી જતાં આ ઘટના બની હતી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ રાજસ્થાનના જેસલમેર ખાતે ચૌધરી ટાયર્સના માલિક શ્રવણ ચૌધરીની દુકાન પર બનેલી ઘટનાનો છે જે પોતે એક હિન્દુ વેપારી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુસ્લિમ વેપારીની દુકાન પર બનેલી ઘટનાનો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Missing Context
