શું ખરેખર આપ નેતા સોમનાથ ભારતીએ યોગી આદિત્યનાથના વખાણ કર્યા…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી પર યોગી સરકાર પર વિવાદિત નિવેદન આપવાને કારણે રોષે ભરાયેલા એક વ્યક્તિ દ્વારા શાહી ફેંકવામાં આવી હતી. ત્યારે આ ઘટનાની સાથે સોશિયલ મીડિયા પર સોમનાથ ભારતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 200 કલાક ઉત્તરપ્રદેશની જેલમાં રહ્યા બાદ સોમનાથ ભારતીની અક્કલ ઠેકાણે આવી અને યોગી સરકારના વખાણ કર્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી યોગી સરકારના વખાણ નથી કરતા પરંતુ આલોચના કરી રહ્યા છે. આ વીડિયોને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

अमितकुमार सोनी हिन्दुस्तानी નામના ફેસબુક યુઝર દ્વારા 19 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સોમનાથ ભારતી ની અક્કલ કેવી ઠેકાણે આવી ગઈ જરાક સાંભળો લુખ્ખો ૨૦૦ કલાક યુપી ની જેલમાં રહ્યો એમાં સુધરી ગયો હોય એવું લાગે છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 200 કલાક ઉત્તરપ્રદેશની જેલમાં રહ્યા બાદ સોમનાથ ભારતીની અક્કલ ઠેકાણે આવી અને યોગી સરકારના વખાણ કર્યા.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને zeenews.india.com દ્વારા 16 જાન્યુઆરી, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતીએ અમેઠી પ્રવાસ દરમિયાન ઉત્તરપ્રદેશની હોસ્પિટલો પર વિવાદિત નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, “અમે ઉત્તરપ્રદેશમાં આવ્યા છીએ. અમે અહીં થી શાળાઓ જોઈ રહ્યા છીએ, અહીંની હોસ્પિટલો જોઈ રહ્યા છીએ. એટલી ખરાબ હાલતમાં છે કે હોસ્પિટલોમાં બાળકો તો જન્મી રહ્યા છે પરંતુ કૂતરાના બચ્ચાઓ જન્મી રહ્યા હોય એવી સ્થિતિ છે.”

screenshot-zeenews.india.com-2021.01.20-21_43_11.png

Archive

અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતીએ અમેઠીના જગદીશપુરના રામલીલા મેદાનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યુપીની હોસ્પિટલો વિશે એક ટિપ્પણી કરી હતી અને તે પછી અમેઠીના રહેવાસી શોભનાથ સાહુએ સોમનાથ ભારતી સામે જગદીશપુર પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો અને ત્યારબાદ સ્થાનિક પોલીસે સોમનાથ ભારતીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. 7 દિવસ બાદ 20 જાન્યુઆરી, 2021 નારોજ સોમનાથ ભારતી જામીન પર બહાર આવ્યા છે.

વધુમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતીએ જે કપડાં પહેર્યા છે અને જે જગ્યા અને લોકો સાથે તેઓ નજરે પડી રહ્યા છે એજ વીડિયો અમને News24 UP & Uttarakhand દ્વારા 19 જાન્યુઆરી, 2021 ના રોજ એક સમાચારમાં પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સંપૂર્ણ વીડિયોમાં તેઓ ક્યાંય પણ યોગી સરકારના વખાણ કરતા હોય એવી કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ નહતી. તેઓ એવું કહી રહ્યા છે કે, आज लगभग 200 घंटे बाद मुझे रिहा किया गया है, मैं योगी जी से कहना चाहता हूं कि यदि मुझे 200 दिन भी जेल में रखेंगे तो भी मैं उत्तर प्रदेश के घरघर, मोहल्ले में जाकर केजरीवाल मॉडल गवर्नेंस, शिक्षा, पानी, स्वास्थ्य, बिजली, सुरक्षा के बारे में जनता को बताऊंगा

જેનો ગુજરાતી અનુવાદ એવો થાય કે, “આજે લગભગ 200 કલાક પછી મને જેલમાંથી બહાર નીકાળવામાં આવ્યા પછી, હું યોગીજીને કહેવા માંગુ છું કે, જો મને 200 દિવસ પણ જેલમાં રાખવામાં આવશે તો પણ હું ઉત્તરપ્રદેશના ઘરે ઘરે, મહોલ્લામાં જઈને લોકોને કેજરીવાલ મોડેલ, શાસન, શિક્ષણ, પાણી, આરોગ્ય, વીજળી અને સલામતી વિશે જણાવીશ.”

Archive

સોમનાથ ભારતીના નિવેદનનો આજ વીડિયો ETV Bharat દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

નીચે તમે આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતીનું ઓરિજીનલ નિવેદન અને એડિટીંગ કરેલા નિવેદનના વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, સોમનાથ ભારતી દ્વારા ક્યાંય પણ યોગી સરકારના વખાણ કરવામાં નથી આવ્યા. સોમનાથ ભારતીનો એડિટેડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સોમનાથ ભારતી દ્વારા ક્યાંય પણ યોગી સરકારના વખાણ કરવામાં નથી આવ્યા. સોમનાથ ભારતીનો એડિટેડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર આપ નેતા સોમનાથ ભારતીએ યોગી આદિત્યનાથના વખાણ કર્યા…?

Fact Check By: Vikas Vyas 

Result: False