
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક બાળકના શરીર પર ઢોર માર માર્યા બાદ પડેલા નિશાન સાથેના ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક બાળકને પાણી પીવા પર આ રીતે ઢોર માર મારવામાં આવ્યો તેના નિશાનના આ ફોટા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાળકના શરીર પર ઢોર માર માર્યા બાદ પડેલા નિશાનના જે ફોટા મૂકવામાં આવ્યા છે એ ભારતમાં નહીં પરંતુ વર્ષ 2020માં યમન ખાતે બનેલી ઘટનાના છે. આ ફોટોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 21 માર્ચ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પીવા માટે માત્ર પાણી લીધું હતું! એમા તો આ બાળક ને ઢોર માર માર્યો હતો! આમાં આપડે વિશ્ર્વગુરુ ની વાતો કર્યે છીએ..
આખી માહીતી કોમેન્ટ મા છે…
હજુ આ લોકો 1800 ની સાલ માં જીવે છે . આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક બાળકને પાણી પીવા પર આ રીતે ઢોર માર મારવામાં આવ્યો તેના નિશાનના આ ફોટા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો એક ફેસબુક યુઝર દ્વારા 12 ઓક્ટોમ્બર, 2020ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો યમન નાઉ ન્યૂઝ નામની વેબસાઈટ પર પ્રાપ્ત થયો હતો.
ફોટા સાથેના અહેવાલ મુજબ, યમનના અલ-મહવત ક્ષેત્રમાં એક 12 વર્ષના છોકરાને તેના પિતાએ નિર્દયતાથી માર માર્યો હતો. 12 વર્ષના છોકરા શમાખ રશીદ અલ-કાહિલીને તેના પિતાએ યોગ્ય રીતે ઉછેરના બહાને નિર્દયતાથી માર માર્યો હતો.
મીડિયા સાથે વાત કરતાં રહેવાસીઓએ જણાવ્યું કે, સુરક્ષા અધિકારીઓએ પિતાની ધરપકડ કરી અને તેમને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો. આ જ માહિતી અહીં અને અહીં વાંચી શકાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાળકના શરીર પર ઢોર માર માર્યા બાદ પડેલા નિશાનના જે ફોટા મૂકવામાં આવ્યા છે એ ભારતમાં નહીં પરંતુ વર્ષ 2020માં યમન ખાતે બનેલી ઘટનાના છે. આ ફોટોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો પાણી પીવા બદલ બાળકને ઢોર માર માર્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટાનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: False
