
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોવિડ સેન્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ દિલ્હીનો નહીં પરંતુ છત્તીસગઢના રાયપુરના ઈન્ડોર સ્ટેડિયમને કોવિડ સેન્ટરમાં ફેરવવામાં આવ્યું તેનો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
આમ આદમી પાલટી નામના ફેસબુક પેજ દ્વારા 14 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મિત્રો દાનત હોય તો એક રાત મા 1000 બેડ નહી.1લાખ બેડ ની હોસ્પિટલ દરેક જગ્યા એ ઉભી થઇ શકે.. વાહ દિલ્હી વાહ..AAP…. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને money.bhaskar.com દ્વારા પ્રસારિત કરવામાં આવેલા આર્ટિકલમાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવમાં આવી હતી કે, આ ફોટો રાયપુરના ઈન્ડોર સ્ટોડિયમની છે. જ્યાં 200 ઓક્સિજન બેડ સાથેની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે.
આજ માહિતી અને ફોટો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. prabhatkhabar.com | tcp24.news
અમારી વધુ તાપાસમાં અમને છત્તીસગઢના સ્વાસ્થ્યમંત્રી ટી.એસ. સિહદેવ દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે 12 એપ્રિલ, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રાયપુર જિલ્લામાં લોકડાઉન પછી પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની વચ્ચે ઈન્ડોર સ્ટેડિયમને 500 બેડની કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવ્યું છે. જેમાં મહત્તમ દર્દીઓની દેખરેખ થઈ શકશે.
ANI દ્વારા પણ 13 એપ્રિલ, 2021 ના રોજ કરવામાં આવેલી એખ ટ્વિટમાં રાયપુરના ઈન્ડોર સ્ટોડિયમને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવ્યું એની માહિતી આપવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ દિલ્હીનો નહીં પરંતુ છત્તીસગઢના રાયપુરના ઈન્ડોર સ્ટેડિયમને કોવિડ સેન્ટરમાં ફેરવવામાં આવ્યું તેનો છે.

Title:શું ખરેખર આ ફોટો દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે…?
Fact Check By: Vikas VyasResult: False
