શું ખરેખર વીડિયોમાં દેખાતી છોકરીને ગુંડા તત્વો દ્વારા માર મારવામાં આવ્યો...? જાણો શું છે સત્ય...
Vipul Desai નામના ફેસબુક યુઝર દ્વારા 12 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. વિપુલ દેસાઈ દ્વારા સોનુ સલમાન નામના વ્યક્તિની પોસ્ટને ગ્રુપમાં શેર કરવામાં આવી હતી. સોનુ સલમાન દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, पहले गूंडो से बेटी को बचाओ,,, बाद में बेटी को पढ़ना ??? આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બેટી બચાવો અને બેટી પઢાવોની વાતો કરતી સરકાર દ્વારા આ વીડિયોમાં ગુંડા તત્વો દ્વારા જે રીતે બેટીઓ પર જુલમ કરવામાં આવી રહ્યો છે તેને અટકાવવામાં આવે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 72 લોકોએ લાઈક કરી હતી. 2 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Post Archive | Video Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર આ રીતે ગુંડા તત્વો દ્વારા છોકરીને ઢોર માર મારવામાં આવ્યો હોત અને વીડિયો વાયરલ થયો હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. એટલા માટે સૌપ્રથમ અમે વીડિયોના એક સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરના તમામ પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ ગુંડા તત્વો દ્વારા છોકરીને ઢોર માર મારવામાં આવ્યો હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ પોસ્ટને અમે ધ્યાનથી જોઈ હતી અને તેની નીચે કરવામાં આવેલી કોમેન્ટને જોતાં અમને એ માહિતી પ્રાપ્ત થઈ હતી કે આ છોકરીને તેના જ પરિવારના સભ્યો દ્વારા માર મારવામાં આવ્યો છે. તેથી અમે ગુગલનો સહારો લઈ परिजनों ने की लडकी की पिटाई સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરના પરિણામોમાં અમને એનડીટીવી ઈન્ડિયા દ્વારા 30 જૂન, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, આ ઘટના મધ્યપ્રદેશના ધાર જિલ્લાની છે. જેમાં એક આદિવાસી છોકરી ગામના જ એક દલિત પરિવારના યુવક સાથે ભાગી ગઈ હતી. જેના પરિણામે છોકરીના પરિવાર દ્વારા તેને આ રીતે માર મારવાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ પોલીસ દ્વારા આ બનાવ અંગે 4 લોકોને ગિરફ્તાર પણ કરવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
ઉપરની ઘટના અંગે છોકરીને તેના જ પરિવારના સભ્યો દ્વારા માર મારવામાં આવ્યો હતો એ અંગેના અન્ય મીડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર અમને પ્રાપ્ત થયા હતા જે તમે નીચે જોઈ શકો છો.
patrika.com | livehindustan.com |
Archive | Archive |
અમારી વધુ તપાસમાં અમને News State દ્વારા 30 જૂન, 2019 ના રોજ યુટ્યુબ પર એક વીડિયો સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ આદિવાસી યુવતી ગામના જ એક દલિત પરિવારના છોકરા સાથે ભાગી જવાથી તેના જ પરિવારજનો દ્વારા જાહેરમાં તેને માર મારવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત ઘટના અંગે અમે ધારના એડિશનલ એસપી રુપેશ દ્વિવેદી સાથે વાત કરતાં તેઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, “પોલીસને આ બનાવ અંગે માહિતી મળી તરત જ કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરી હતી. ત્યાર બાદ 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. જેમાં તેના ભાઈઓના નામનો પણ ઉલ્લેખ હતો. યુવતીના પરિવારજનો દ્વારા જ તેને માર મારવામાં આવ્યો છે.”
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ ગુંડા તત્વો દ્વારા નહીં પરંતુ પરિવારના જ સભ્યો દ્વારા વીડિયોમાં દેખાતી છોકરીને માર મારવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ ગુંડા તત્વો દ્વારા નહીં પરંતુ પરિવારના જ સભ્યો દ્વારા વીડિયોમાં દેખાતી છોકરીને માર મારવામાં આવ્યો હતો.
છબીઓ સૌજન્ય :ગુગલ
Title:શું ખરેખર વીડિયોમાં દેખાતી છોકરીને ગુંડા તત્વો દ્વારા માર મારવામાં આવ્યો...? જાણો શું છે સત્ય...
Fact Check By: Vikas VyasResult: False