શું ખરેખર પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાં જ ખાલિસ્તાન સમર્થનમાં નારેબાજી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખાલિસ્તાનના સમર્થનમાં નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાં જ ખાલિસ્તાન સમર્થનમાં નારેબાજી કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અભિનેતા અને ખેડૂત આંદોલન કાર્યકર્તા દીપ સિદ્ધુને શ્રદ્ધાંજલી આપવા માટે નીકાળવામાં આવેલી રેલીનો છે. આ વીડિયોને પંજાબની આમ આદમી સરકાર સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kheni Himmat નામના ફેસબુક યુઝર દ્વારા 15 માર્ચ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પંજાબમાં આપ પાર્ટી આવવાથી નવું સ્લોગન આના ઉપર થી ગુજરાત મા જેટલા કેઝરીવાલ તરફથી ઢળેલા છે એ હજુ ધ્યાન થી સાભંળે અને વીચારે પછી આપયાવ આતંકવાદી ઓ ને સાથે આપે.. હવે તમને ખબર પડી આ દિલ્લી ની બોર્ડર ઉપર જે ખેડુતો બની ને બેઠા હતા તે પાકિસ્તાનના એજન્ટ હતા અને તેને દિલ્લી ની કેજરીવાલ સરકાર સાથ આપતી હતી પંજાબ જીતવા માટે.. ગુજરાતી ઓ સાવધાની… પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાં જ ખાલિસ્તાન સમર્થનમાં નારેબાજી કરવામાં આવી.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને આ વીડિયોમાં મુખ્ય ત્રણ વસ્તુઓ જોવા મળી હતી. જેમાં સૌ પ્રથમ તો Dr. Jatana’s Dental Clinic નું બોર્ડ જોવા મળ્યું હતું, ત્યાર બાદ લોકોના હાથમાં જે બોર્ડ હતા એમાં Justice For Deep Sidhu તેમજ દીપ સિદ્ધુના ફોટો જોવા મળ્યા હતા. 

ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, Dr. Jatana’s Dental Clinic પંજાબના ભટિંડામાં આવેલી છે.

ત્યાર બાદ અમે પંજાબ સ્થિત પત્રકાર જસવીર સિંહ મુક્તસરનો સંપર્ક કર્યો અને તેમની પાસેથી આ વીડિયો વિશે પૂછપરછ કરતાં તેઓએ અમને એ જણાવ્યું હતું કે, આ વીડિયો 21 કે 22 ફેબ્રુઆરીએ ભટિંડામાં દીપ સિદ્ધુને શ્રદ્ધાંજલિ આપવા માટે નીકળેલી રેલીનો છે. દીપ સિદ્ધુને AAP પ્રત્યે સખત નફરત હતી, તેથી તેને AAP સાથે કોઈ લેવાદેવા નથી. આ રેલીમાં શિરોમણી અકાલી દળ, દલ ખાલસા અને સામાન્ય લોકો સામેલ થયા હતા.”

તપાસ દરમિયાન અમે કે.ટીવી નામના મીડિયા હાઉસના પંજાબ સ્થિત પત્રકાર “એચ.એસ.ધિલ્લોન” નો સંપર્ક કર્યો હતો કે જેઓએ આ વીડિયો લાઈવમાં દેખાતી રેલીને કવર કરી હતી.

તેઓએ અમને જણાવ્યું હતું કે, આ વીડિયોનું આયોજન દલ ખાલસા અને અકાલી દળ દ્વારા કરવામાં આવ્યું હતું. સિદ્ધુને શ્રદ્ધાંજલિ આપવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભટિંડામાં રેલી 21 ફેબ્રુઆરીએ સાંજે 6 વાગ્યે શરૂ થઈ અને મેં આખી રેલીને કવર કરી હતી. તેને આમ આદમી પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. આ રેલી ચૂંટણી પછી અને તેના પરિણામો આવે તે પહેલા યોજાઈ હતી.”

તેઓએ અમને રેલીનો લાઈવ વીડિયો પણ મોકલ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ભટિંડાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અમનીત કોંડાલનો સંપર્ક કરતાં તેઓએ આ દાવાને ખોટો ગણાવતાં જણાવ્યું હતું કે, “આ દીપ સિદ્ધુની યાદમાં નીકાળવામાં આવેલી કેન્ડલ માર્ચનો વીડિયો છે. તેમના મૃત્યુ પછી અને ચૂંટણીના પરિણામો જાહેર થયા પહેલા આ રેલી યોજાઈ હતી. દીપ સિદ્ધુને શ્રદ્ધાંજલિ આપવા માટે પંજાબના અનેક જિલ્લાઓમાં આવી રેલીઓ કાઢવામાં આવી હતી. આ રેલીને આમ આદમી પાર્ટી સાથે કોઈ સંબંધ નથી.”

તમને જણાવી દઈએ કે, દીપ સિદ્ધુનું 15 ફેબ્રુઆરીએ હરિયાણાના ખરખોડામાં કાર અકસ્માતમાં મોત થયું હતું. બીજી તરફ, પંજાબની ચૂંટણી 20 ફેબ્રુઆરીએ યોજાઈ હતી અને તેના પરિણામો 10 માર્ચે જાહેર કરવામાં આવ્યા હતા. તેના પરથી કહી શકાય કે, આ વીડિયો ચૂંટણી પરિણામ પહેલાંનો છે. પંજાબમાં આમ આદમી પાર્ટીના ભગવંત માને 16 માર્ચે શપથ લીધા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અભિનેતા અને ખેડૂત આંદોલન કાર્યકર્તા દીપ સિદ્ધુને શ્રદ્ધાંજલી આપવા માટે નીકાળવામાં આવેલી રેલીનો છે. આ વીડિયોને પંજાબની આમ આદમી સરકાર સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાં જ ખાલિસ્તાન સમર્થનમાં નારેબાજી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False