
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાના નામે જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2024થી સોશિયાલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 2 જૂન, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે,
રશિયાએ હવે યુક્રેન પર જોરદાર વળતો હુમલો શરૂ કર્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એક ટ્વિટર યુઝર દ્વારા 9 જુલાઈ, 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ક્રુઝ મિસાઈલ દ્વારા હુમલો કર્યો તેનો આ વીડિયો છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, વાયરલ વીડિયો તાજેતરનો નહીં પરંતુ જૂનો છે.
અમારી વધુ તપાસમાં અમને 9 જુલાઈ, 2024ના રોજ યુટ્યુબ પર અપલોડ કરાયેલ ડેઇલી મેઇલનો એક વીડિયો રિપોર્ટ પણ મળ્યો, જેમાં વાયરલ વીડિયો દર્શાવવામાં આવ્યો હતો. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી છે કે, “આ તે ક્ષણ છે જ્યારે રશિયન Kh-101 ક્રુઝ મિસાઇલ કિવમાં બાળકોની હોસ્પિટલ પર પડી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, 8 જુલાઈના રોજ Ohmatdyt Children’s Hospital પર મિસાઇલ પડી હતી. હોસ્પિટલ પહેલાંથી જ ધુમાડાથી ભરાઈ ગઈ હતી, જે સૂચવે છે કે, આ બીજો બોમ્બ હતો. આ હુમલામાં ઓછામાં ઓછા બે લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં ઘણા બધા લોકો ઘાયલ થયા હતા.”
જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો તાજેતરનો નથી અને ઓછામાં ઓછા જુલાઈ 2024થી ઓનલાઈન ઉપલબ્ધ છે.
અમને આ ઘટના અંગે તે સમયના કેટલાક અહેવાલો મળ્યા. 9 જુલાઈ, 2024ના એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, રશિયાએ એક મોટો મિસાઇલ હુમલો કર્યો હતો જેમાં પાંચ યુક્રેનિયન શહેરોને નિશાન બનાવવામાં આવ્યા અને દેશની સૌથી મોટી બાળકોની હોસ્પિટલ, Ohmatdyt Children’s Hospitalને નુકસાન થયું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાના નામે જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2024થી સોશિયાલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો તાજેતરમાં રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
