
Nirav Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 27 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બકરી બેં….. બોલો માસ્ક નહોતુ પહેર્યું તો પોલીસ સ્ટેશન લઈ ગયા ! ये U.P है साहब। તો વિચારી લો જો તમે આવનારી પરિસ્થિતિ।. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઉત્તરપ્રદેશના કાનપુરના બેકનગંજ વિસ્તારમાં માસ્ક ન પહેરવા પર પોલીસ દ્વારા બકરીને ગિરફ્તાર કરવામાં આવી છે. આ પોસ્ટને 4 લોકોએ લાઈક કરી હતી. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ઉત્તરપ્રદેશના કાનપુરના બેકનગંજ વિસ્તારમાં માસ્ક ન પહેરવા પર પોલીસ દ્વારા બકરીને ગિરફ્તાર કરવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને hindi.newsroompost.com દ્વારા 27 જુલાઈ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કોરોના મહામારીને કારણે કાનપુરના બેકનગંજ વિસ્તારમાં પોલીસ લોકડાઉનના બંદોબસ્તમાં હતી ત્યારે એક યુવક બકરી સાથે પોતે મોંઢા પર માસ્ક પહેર્યા વિના રસ્તા પર નીકળ્યો હતો. પરંતુ આ યુવકે જેવી પોલીસને જોઈ કે તરત તે બકરીને ત્યાં જ છોડીને ભાગી ગયો હતો. જેના પરિણામે પોલીસ બકરી ક્યાંય ખોવાઈ ન જાય કે કોઈ લઈ ન જાય તેમજ તેનો માલિક તેને છોડાવવા માટે પોલીસ સ્ટેશનમાં આવે એ હેતુસર બકરીને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. ત્યાર બાદ બકરીનો માલિક મોહમ્મદઅલી પોલીસ સ્ટેશને આવ્યો અને પોલીસ દ્વારા તેની પાસેથી માસ્ક ન પહેરવાનો દંડ વસૂલ કરીને બકરી તેને સોંપી દીધી હતી. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને Divas Pandey નામના એક ટ્વિટર યુઝર દ્વારા 26 જુલાઈ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં કાનપુર પોલીસ દ્વારા બકરીને જબરદસ્તી ગાડીમાં લઈ જવામાં આવી રહી હોવાના દાવા સાથે વીડિયો મૂકવામાં આવ્યો છે. જેના જવાબમાં Kanpur Nagar Police દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે, બેકનગંજ વિસ્તારમાં લોકડાઉન દરમિયાન બકરી લાવારિશ હાલતમાં ફરી રહી હોવાથી પોલીસ તેને સ્ટેશને લઈ ગઇ હતી. જ્યારે તેના માલિક મોહમ્મદ અલી આવ્યા ત્યારે તેમને એ બકરી પરત કરી દેવામાં આવી હતી. આ મામલે બાકીના તમામ આરોપ ખોટા અને નિરાધાર છે.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે બેકનગંજ પોલીસ સ્ટેશના SHO સાથે સીધી આ સમગ્ર ઘટના અંગે વાત કરતાં તેઓએ અમને જમાવ્યું હતું કે, ‘સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ થઈ રહી છે. સમગ્ર ઘટના એવી હતી કે, ‘બેકનગંજ વિસ્તારમાં લોકડાઉન દરમિયાન પોલીસ ચેકિંગમાં હતી એજ સમયે એક યુવક બકરી સાથે માસ્ક પહેર્યા વિના આવી રહ્યો હતો. જ્યારે તેણે પોલીસને જોઈ ત્યારે બીકને લીધે તે બકરીને છોડીને ભાગી ગયો હતો. જેથી બકરી કોઈ લઈ ન જાય અથવા ખોવાઈ ન જાય એ હેતુથી પોલીસ તેને ગાડીમાં પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. ત્યાર બાદ બકરીનો માલિક મોહમ્મદ અલી પોલીસ સ્ટેશને આવતાં તેમને બકરી પરત કરવામાં આવી હતી.’
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ બકરીને માસ્ક ન પહેરવા પર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હોવાની માહિતી તદ્દન ખોટી છે. પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું કાનપુર નગર પોલીસ દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ બકરીને માસ્ક ન પહેરવા પર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હોવાની માહિતી તદ્દન ખોટી છે. પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું કાનપુર નગર પોલીસ દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર કાનપુર પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બદલ બકરીને ગિરફ્તાર કરવામાં આવી…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
