
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામે એક વિવાદિત નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોગી આદિત્યનાથે એવું કહ્યું કે, અમારું કામ ગાયને બચાવવાનું છે, છોકરીને નહીં. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, એક વ્યંગાત્મક વેબસાઈટ પર મૂકવામાં આવેલી માહિતી પરથી આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bipin Boricha નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા સમાચારપત્રના ફોટોમાં આપવામાં આવેલા સમાચારમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોગી આદિત્યનાથે એવું કહ્યું કે, અમારું કામ ગાયને બચાવવાનું છે, છોકરીને નહીં.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ યોગી આદિત્યનાથ દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યું હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. વધુમાં જો કોઈ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આ પ્રકારનું વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હોય તો તે એક મોટા સમાચાર બનતા અને તમામ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. પરંતુ અમને ક્યાંય પણ આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ વિવાદિત નિવેદન યોગી આદિત્યનાથના નામે વર્ષ 2018 થી વાયરલ થઈ રહ્યું છે. આ નિવેદન સાથેની પ્રથમ ફેસબુક પોસ્ટ 10 એપ્રિલ, 2018 ના રોજ કરવામાં આવી હતી.
આ પોસ્ટમાં R-Humor Times નામની એક વેબસાઈટની લિંક આપવામાં આવી છે. જેમાં મૂકવામાં આવેલા આર્ટિકલનું શીર્ષક એવું છે કે, “યોગી આદિત્યનાથની સફાઈ – અમારું કામ ગાયને બચાવવાનું છે, છોકરીને નહીં.” જોકે હાલમાં લિંક અને વેબસાઈટ બંનેને હટાવી લેવામાં આવ્યા છે.
વધુમાં અમને Wayback Machine નામની એક વેબસાઈટ પ્રાપ્તલ થઈ હતી. જ્યાં લગભગ તમામ વેબસાઈટોના ડેટાનો સંગ્રહ હોય છે. આ વેબસાઈટમાં અમને R-Humor Times વેબસાઈટમાં પ્રસારિત કરવામાં આવેલા અહેવાલની લિંક પ્રાપ્ત થઈ હતી.
આ આર્ટિકલ R-Humor Times નામની વેબસાઈટ પર 10 એપ્રિલ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે, ઉન્નાવ દુષ્કર્મ મામલા બાબતે યોગી આદિત્યનાથ દ્વારા આ પ્રકારે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. પરંતુ આ અહેવાલ વાંચતા જ એવું લાગે છે કે આ સમાચારમાં કોઈ સત્ય નથી. તેની પત્રકારિતાની શૈલી કંઈક અલગ જ છે. તેઓ આ પદ છોડ્યા પછી શું કરશે તે હજુ જાણી શકાયું નથી. તેમજ આ વેબસાઈટ પર જોડણીની ભૂલો અને રમૂજી ટિપ્પણીઓ પણ છે.
આ વેબસાઈટના About Us વિભાગમાં જઈને જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ સમાચાર સત્ય નથી કારણ કે, R-Humor Times એ એક વ્યંગાત્મક વેબસાઈટ છે. કંપની દ્વારા એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ વેબસાઈટ પર વ્યંગાત્મક પ્રકારના લેખ રજૂ કરવામાં આવે છે. વેબસાઈટ પર પ્રસારિત કરવામાં આવેલો કોઈ પણ લેખ વાસ્તવિક નથી. મહેરબાની કરીને એને સત્ય ન માનશો. આ એક મનોરંજન માટે તૈયાર કરવામાં આવેલી વેબસાઈટ છે.
આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, યોગી આદિત્યનાથ દ્વારા આ પ્રકારનું વિવાદિત નિવેદન આપવામાં નથી આવ્યું. આ એક મજાક જ છે.
હવે એ પણ જાણવું જરૂરી હતું કે, સમાચારપત્ર દ્વારા આ સમાચાર કેમ છાપવામાં આવ્યા?
સમાચારપત્રનું આ કટિંગ કઈ રીતે વાયરલ થયું?
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચારપત્રનો એક સ્વચ્છ ફોટો અમને પ્રાપ્ત થયો હતો. જેને ધ્યાનથી જોતાં તેની ડાબી બાજુ પર ડેટલાઈનમાં લખનૌ / દૈ.મૂ.બ્યૂરો એટલે કે દૈનિક મૂલનિવાસી નાયક બ્યૂરો એવું લખાણ જોવા મળે છે.
સમાચારના બીજા ફકરામાં એવું લખવામાં આવ્યું છે કે, યુચ્યુબ પર વાયરલ વીડિયો અને સોશિયલ મીડિયા પરના એક રિપોર્ટ પરથી દૈનિક મૂલનિવાસી નાયકના સંવાદદાતાએ જણાવ્યું હતું કે, દેશની ફાયર બ્રાન્ડ ગાય પ્રેમી અને કલા પ્રેમી યોગી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી છે. આદિત્યનાથે ઉન્નાવ સામૂહિક દુષ્કર્મ કેસ બાબતે સફાઈ આપતાં કહ્યું કે, સરકારમાં સામેલ હોવા પહેલાં અમે ઉત્તરપ્રદેશની જનતાને ગાયની રક્ષા કરવા માટેનો સંકલ્પ કર્યો હતો. અમે આજે પણ એના માટે કાર્યરત છીએ કોઈ આંખ ઉઠાવીને ગાયની સામે પણ જોઈ લે, તો એની આંખો નીકાળી દઈશું. પરંતુ અમે છોકરીની રક્ષા કરવાનો કોઈ સંકલ્પ કર્યો ન હતો. તો એના પર તમે બધા લોકો અમને શા માટે સવાલો પૂછી રહ્યા છો?
હવે ઉપરોક્ત લખાણ પણ R-Humor Times વેબસાઈટ પરથી લેવામાં આવ્યું છે. એટલે કે આ સમાચાર પણ એજ વ્યંગાત્મક વેબસાઈટ પર પ્રસારિત કરવામાં આવેલા લેખનો એક ભાગ જ છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ યોગી આદિત્યનાથ દ્વારા અમારું કામ ગાય બચાવવાનું છે. છોકરી નહીં એવું વિવાદિત નિવેદન ક્યાંય પણ આપવામાં આવ્યું હોવાનું સાબિત થતું નથી. એક વ્યંગાત્મક વેબસાઈટ R-Humour Times પર પ્રસારિત કરવામાં આવેલા લેખ પરથી આ ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Title:યોગી આદિત્યનાથે એવું નથી કહ્યું કે, “હમારા કામ ગાય બચાના હૈ, લડકી નહીં”… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
