શું ખરેખર બ્રિટનની મહારાણી દ્વારા વેક્સિન આપવા બદલ PM મોદીનો આભાર માનવામાં આવ્યો...? જાણો શું છે સત્ય....
હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા ફોટામાં, બ્રિટનની મહારાણી એલિઝાબેથની તસ્વીરની બાજુમાં બોર્ડ પર લખવામાં આવ્યુ હતુ કે, રસી આપવા બદલ ભારતીય વડા પ્રધાન મોદીના આભારી છીએ. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બ્રિટનની મહારાણી દ્વારા વેક્સિન આપવા બદલ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવ્યો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં ફોટો શોપના માધ્યમથી એડિટ કરી અને લખવામાં આવ્યુ છે. જ્યારે ઓરિજનલ ફોટોમાં આ પ્રકારે લખવામાં નથી આવ્યુ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dhruvrajsinh Gohil નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બ્રિટનની મહારાણી દ્વારા વેક્સિન આપવા બદલ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવ્યો.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને બીબીસી લંડનના ટ્વિટમાં આ ફોટો મળી હતી, જે 20 એપ્રિલ 2020ના રોજ શેર કરવામાં આવી હતી. જેમાં બોર્ડમાં લખવામાં આવ્યુ હતુ કે, “We will be with our friends again; we will be with our families again; we will meet again” (“અમે ફરીથી અમારા મિત્રો સાથે રહીશું; અમે ફરીથી અમારા પરિવારો સાથે રહીશું; અમે ફરી મળીશું”)
તેમજ ભારતે બ્રિટનને રસી આપી કે કેમ, તે અંગે સર્ચ કરતા અમને રાયટરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર યુકે સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “બ્રિટિશ સરકારે એસ્ટ્રાઝેનેકા કોરોના રસીના 100 મિલિયન ડોઝ મંગાવ્યા હતા, જેમાંથી 10 મિલિયન ડોઝ ભારતની સીરમ સંસ્થામાંથી આવશે. પરંતુ અમને કોઈ નિવેદન પ્રાપ્ત થયુ ન હતુ. જેમાં બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હોય.”
તેમજ વાયરલ તસ્વીર અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં ફોટો શોપના માધ્યમથી એડિટ કરી અને લખવામાં આવ્યુ છે. જ્યારે ઓરિજનલ ફોટોમાં આ પ્રકારે લખવામાં નથી આવ્યુ.
Title:શું ખરેખર બ્રિટનની મહારાણી દ્વારા વેક્સિન આપવા બદલ PM મોદીનો આભાર માનવામાં આવ્યો...?
Fact Check By: Yogesh KariaResult: Altered