તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૃહ મંત્રાલયના વરિષ્ટ ઈન્વેસ્ટિગેશન ઓફિસર વિશ્વજીત મુખર્જીના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાન ભારત પર સીધો હુમલો નથી કરી શકતું એ માટે તેણે ચીન પાસે એવા ફટાકડા તૈયાર કરાવ્યા છે કે, જેમાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરવામાં આવ્યો છે જેને કારણે સમગ્ર ભારતમાં અસ્થમા રોગનો ફેલાવો થાય. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને સરકાર દ્વારા ખોટી ઠેરવવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Birla Patel નામના ફેસબુક યુઝર દ્વારા 22 સપ્ટેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવું લખવામાં આવ્યું હતું કે,

*🙏 મહત્વની માહિતી 🙏*

ગુપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાન ભારત પર સીધો હુમલો કરી શકતું નથી, તેથી તેણે ચીન પાસે ભારતનો બદલો લેવાની માંગ કરી છે. ભારતમાં અસ્થમા ફેલાવવા માટે ચીને ખાસ પ્રકારના ફટાકડા ભરી દીધા છે, જે કાર્બન મોનોક્સાઇડ ગેસ માટે ઝેરી છે. આ ઉપરાંત, ભારતમાં, આંખના રોગોના વિકાસ માટે ખાસ લાઇટિંગ ડેકોરેટિવ લાઇટ પણ બનાવવામાં આવી રહી છે. પારોનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યો છે, કૃપા કરીને આ દિવાળી પર ધ્યાન રાખો અને આ ચાઇનીઝ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરશો નહીં. આ સંદેશ તમામ ભારતીયો સુધી પહોંચાડો.

જય હિન્દ

વિશ્વજીત મુખર્જી,

વરિષ્ઠ તપાસ અધિકારી,

ગૃહ મંત્રાલય,

ભારત સરકાર, (CG)

જેમ તમે પ્રાપ્ત કરો તેમ આગળ મોકલો.

આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાન ભારત પર સીધો હુમલો નથી કરી શકતું એ માટે તેણે ચીન પાસે એવા ફટાકડા તૈયાર કરાવ્યા છે કે, જેમાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરવામાં આવ્યો છે જેને કારણે સમગ્ર ભારતમાં અસ્થમા રોગનો ફેલાવો થાય.

Facebook Post | Archive

આ સિવાય પણ ઘણા બધા ફેસબુક યુઝર દ્વારા આ માહિતી સાથેની પોસ્ટ શેર કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને જુદા-જુદા કીવર્ડથી ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ભારતના ગૃહ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ mha.gov.in પર પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતીને શોધવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

ત્યાર બાદ અમે રક્ષા મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ mod.gov.in પર પણ આ માહિતીને શોધવાની કોશિશ કરી હતી પરંતુ ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

અમારી વધુ તપાસમાં અમને PIB Fact Check દ્વારા 3 નવેમ્બર, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને ખોટી ગણાવવામાં આવી છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને સરકાર દ્વારા ખોટી ઠેરવવામાં આવી છે.

Avatar

Title:ચીન દ્વારા ભારતમાં અસ્થમા રોગ ફેલાવવા માટે ફટાકડામાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરવામાં આવ્યો હોવાની ભ્રામક માહિતી વાયરલ... જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: False