તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય રેલ્વે દ્વારા ટિકિટ અંગેના નિયમોમાં કરવામાં આવેલા ફેરફાર અંગેની માહિતી વાયરલ થઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે ભારતીય રેલવેમાં એક વર્ષના બાળકની પણ ટિકિટ લેવી પડશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, સરકાર દ્વારા આ માહિતીને ખોટી ઠેરવવામાં આવી છે. IRCTC ની વેબસાઈટ પર ટિકિટ બુકિંગ સમયે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે અલગ બેઠક બુક કરવા અથવા ના કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. જો કોઈ યાત્રી 5 વર્ષની ઉંમરથી ઓછી ઉંમરના બાળકો માટે અલગથી બેઠક બુક કરે છે તો જ તેના બાળકોની મુસાફરી માટે અલગથી ચાર્જ લાગશે નહીં તો કોઈ યાત્રી સાથે મુસાફરી કરવા માટે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ટિકિટ નહીં લેવી પડે. આ માહિતીને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ramesh Bhadani નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓગષ્ટ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, ભારતીય રેલ્વે ના ઇતિહાસ ૧૬૦ વરસ માં પેલી વખત એક વરસ ના બાળક ની ટીકીટ લેવી પડશે આ ગયે હૈ અચ્છે દીન... આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે ભારતીય રેલવેમાં એક વર્ષના બાળકની પણ ટિકિટ લેવી પડશે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને રેલ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ પર વર્ષ 2020 માં પ્રસારિત કરવામાં આવેલો એક પરિપત્ર પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો રેલવેમાં મફતમાં મુસાફરી કરી શકે છે. પરંતુ જો તેના માટે અલગ બેઠકની જરુર પડે તો તેનું ભાડું એક વયસ્ક વ્યક્તિના ભાડા બરાબર ચૂકવવું પડશે.

અમારી વધુ તપાસમાં અમને PIB Fact Check દ્વારા પણ 17 ઓગષ્ટ, 2022 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે.

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે રેલવેની વેબસાઈટ પર ટિકિટ બુક કરવાની કોશિશ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, ટિકિટ બુકિંગ સમયે વેબસાઈટ પર 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે અળગથી સીટ બુકિંગ કરવા માટેનો વિકલ્પ ઉપલબ્ધ છે. જો કોઈ યાત્રી 5 વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે અલગથી સીટ બુક કરવા માંગે છે તો જ તેના ટિકિટના પૈસા વસૂલવામાં આવે છે બાકી 5 વર્ષથી ઓછી ઉંમરના દરેક બાળકો રેલવેમાં મફતમાં મુસાફરી કરી શકે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અર્ધસત્ય હોવાનું સાબિત થાય છે કારણ કે, સરકાર દ્વારા આ માહિતીને ખોટી ઠેરવવામાં આવી છે. IRCTC ની વેબસાઈટ પર ટિકિટ બુકિંગ સમયે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે અલગ બેઠક બુક કરવા અથવા ના કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. જો કોઈ યાત્રી 5 વર્ષની ઉંમરથી ઓછી ઉંમરના બાળકો માટે અલગથી બેઠક બુક કરે છે તો જ તેના બાળકોની મુસાફરી માટે અલગથી ચાર્જ લાગશે નહીં તો કોઈ યાત્રી સાથે મુસાફરી કરવા માટે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ટિકિટ નહીં લેવી પડે.

Avatar

Title:ભારતીય રેલવેમાં હવે એક વર્ષના બાળકોની પણ ટિકિટ લેવા અંગેની વાયરલ માહિતીનું જાણો સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: Misleading