માસ્ક પર 18 ટકા GST લાગતો હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોનાથી બચવા માટેના માસ્ક પર સરકાર દ્વારા 18 ટકા GST લાગતો હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ પણ માસ્ક પર 18 ટકા GST લાગતો નથી. સરકાર દ્વારા કોટન માસ્ક પર 5 ટકા અને એ સિવાયના અન્ય માસ્ક પર 12 ટકા GST લગાવવામાં આવે છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 23 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોનાથી બચવા માટેના માસ્ક પર સરકાર દ્વારા 18 ટકા GST લગાવવામાં આવી રહ્યો છે. જ્યારે પોસ્ટનું લખાણ આ મુજબ છે. એની માં ને જે લોકો કોરોનાથી બચવા માટે પહેરવાના માસ્ક પર 18 % GST લગાવે છે એ લોકો મફતમાં કોરોના ની વેકશીન આપવાની વાતો કરે.

screenshot-www.facebook.com-2020.10.26-23_45_28.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને cleartax.in પર 30 જુલાઈ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માસ્ક વિશે એવી માહિતી આપવામાં આવી હતી કે, સરકાર દ્વારા કોટનના ફેસ માસ્ક પર 5 ટકા અને કોટન સિવાયના ફેસ માસ્ક પર 12 ટકા જીએસટી લગાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત હેન્ડવોશ, સેનિટાઈઝર અને ગ્લોવ્ઝ જેવી વસ્તુઓ પર 18 ટકા જીએસટી લાગી રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-cleartax.in-2020.10.27-00_17_23.png

Archive

અમને ઉપરોક્ત માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. financialexpress.com | thehindubusinessline.com

અમારી વધુ તપાસમાં અમે GST માટેની સરકારની સત્તાવાર વેબસાઈટ https://www.gst.gov.in/ પર પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતી શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યાં પણ અમને એ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી. ત્યાં પણ અમને એજ માહિતી મળી હતી કે, કોટન માસ્ક પર 5 ટકા અને એ સિવાયના માસ્ક પર સરકાર દ્વારા 12 ટકા GST લગાવવામાં આવી રહ્યો છે.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે અમે GST શાખામાં સંપર્ક કરીને અધિકારી સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “માસ્ક પર 18 ટકા જીએસટી લાગતો હોવાની માહિતી તદ્દન ખોટી છે. અત્યાર સુધી માસ્ક પર 5 ટકાથી 12 ટકા સુધી જ જીએસટી લગાવવામાં આવ્યો છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ માસ્ક પર 18 ટકા નહીં પરંતુ 5 ટકાથી 12 ટકા સુધીનો GST સરકાર દ્વારા લગાવવામાં આવે છે.

Avatar

Title:માસ્ક પર 18 ટકા GST લાગતો હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False