
છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા યુક્રેન-રશિયા યુધ્ધમાં નાટોની મહત્વની ભૂમિકા રહેલી છે અને સમાંયતરે તેનો ઉલ્લેખ થતો આવતો હોય છે. આ વચ્ચે એક મિડિયા સંસ્થાનો એક અહેવાલ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે અહેવાલના હેડિંગમાં લખવામાં આવ્યુ છે. કે, “NATO એ રશિયા જોડે કર્યું યુદ્ધનું એલાન, જર્મનીએ કહ્યું થોડા જ સમય માં થશે ત્રીજુ વિશ્વ યુદ્ધ” આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નાટો દ્વારા રશિયા સામે યુદ્ધનું એલાન કરવામાં આવ્યુ છે. તેમજ જર્મનીએ પણ ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થશે તેવું જણાવ્યુ છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. નાટો દ્વારા રશિયા સામે યુદ્ધની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેમજ જર્મની દ્વારા પણ ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થશે તેવી કોઈ માહિતી આપવામાં આવી નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ગુજરાતી કલાકાર મિત્રો ના ચાહકો નું પેજ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નાટો દ્વારા રશિયા સામે યુદ્ધનું એલાન કરવામાં આવ્યુ છે. તેમજ જર્મનીએ પણ ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થશે તેવું જણાવ્યુ છે.”

Facebook | Fb post Archive | FB Article Archive
આ અહેવાલને ઘણા લોકો દ્વારા સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો. તેમજ છેલ્લા 24 ક્લાકમાં 63500 લોકો દ્વારા આ અહેવાલ પર ક્લિક કરીને વાંચ્યો હતો. જે પણ તમે નીચે જોઈ શકો છો. તેમજ લોકો અહેવાલનું હેંડિગ વાંચી અને સત્ય માની રહ્યા હોવાથી આ અહેવાલ પર ક્લિક કરી વાંચી રહ્યા છે. અમે આ અંગે પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.





FACT CHECK
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો અહેવાલ વાંચ્યો હતો. પરંતુ અહેવાલમાં હેડિંગમાં લખવામાં આવેલી એક પણ વાત ન હતી. તેમાં નાટો દ્વારા આ પ્રકારે કોઈ એલાન કરવામાં આવ્યુ હોવાનું કે જર્મની દ્વારા ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થશે તેવી કોઈ માહિતી પ્રસારિત કરવામાં આવી ન હતી. (ARTICLE LINK, ARCHIVE ARTICLE)
તો નાટો નું શું કહેવુ છે.?
તો ખરેખર હાલમાં નાટો દ્વારા શું કહેવામાં આવ્યુ છે. તે જાણવુ પણ જરૂરી હતુ. તેથી અમે નાટોની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. દરમિયાન નાટો દ્વારા પ્રસારિત અંતિમ પ્રેસ રિલિઝ પ્રાપ્ત થઈ હતી. જે 19 એપ્રિલ 2022ના પ્રસારિત કરવામાં આવી હતી અને માહિતી આપવામાં આવી હતી કે, “નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે યુએસ પ્રમુખ જો બાઈડન દ્વારા આયોજિત એક સુરક્ષિત કોન્ફરન્સ કોલમાં ભાગ લીધો હતો. યુક્રેન માટે વધુ સમર્થન પર આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ.”
“સેક્રેટરી જનરલે નાટોની પ્રતિરોધકતા અને સંરક્ષણને વધુ મજબૂત બનાવવાના કામ પર તેમના સાથીદારોને અપડેટ કર્યા, ભારપૂર્વક જણાવ્યું કે નાટો તમામ સહયોગીઓના રક્ષણ અને બચાવ માટે જે પણ જરૂરી હશે તે કરશે. તેમણે અન્ય નેતાઓને યુક્રેનને વધુ સૈન્ય, આર્થિક અને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટેના સહયોગીઓના કાર્ય વિશે પણ માહિતી આપી.”

જર્મનીનું શું કહેવુ છે.?
તેમજ આગળ એ જાણવુ પણ જરૂરી હતુ કે, જર્મનીનું આ યુદ્ધ અંગે શું કહેવુ છે. તે જાણવા અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને રાઉટર્સ દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો.
જેમાં માહિતી આપવામાં આવી હતી કે, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝેને જર્મની દ્વારા યુક્રેનને ભારે શસ્ત્રો પહોચાડવાની નિષ્ફળતા અંગે પુછવામાં આવ્યુ હતુ ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે, “નાટોએ રશિયા સાથે સીધો લશ્કરી મુકાબલો ટાળવો જોઈએ જે ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ દોરી શકે છે, કોઈ નિયમ પુસ્તક નથી જેમાં જણાવ્યું હતું કે જર્મનીને યુક્રેનના યુદ્ધમાં ક્યારે પક્ષકાર ગણી શકાય.”

આમ, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા અહેવાલનું હેંડિગ ગેરમાર્ગે દોરનારૂ છે. નાટો દ્વારા રશિયા સામે યુદ્ધની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેમજ જર્મની દ્વારા પણ ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થશે તેવી કોઈ માહિતી આપવામાં આવી નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. નાટો દ્વારા રશિયા સામે યુદ્ધની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેમજ જર્મની દ્વારા પણ ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થશે તેવી કોઈ માહિતી આપવામાં આવી નથી.

Title:શું ખરેખર નાટો દ્વારા રશિયા સામે યુદ્ધનું એલાન કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: Misleading
