
ગુજરાતના સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ડોકટર એક મહિલાને ડિલવરી કરવતા જોવા મળે છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરત નાનપુરા હોસ્પિટલમાં પારસી મહિલા દ્વારા 11 પુત્રોને જન્મ આપવામાં આવ્યો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. સુરતની એક પણ હોસ્પિટલમાં પારસી મહિલા દ્વારા 11 બાળકોને જન્મ આપવામાં આવ્યો નથી. આ પ્રકારની કોઈ ઘટના સુરતમાં બનવા પામી નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સરકારી યોજના ની માહીતી નું પેજ શેર કરો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરત નાનપુરા હોસ્પિટલમાં પારસી મહિલા દ્વારા 11 પુત્રોને જન્મ આપવામાં આવ્યો.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને નવેમ્બર 2011ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “11 નવેમ્બર 2011ના રોજ શહેરના એક IVF સેન્ટર દ્વારા 11 મહિલાઓના ઓપરેશન હાથ ધરીને એક જ દિવસે 11 બાળકોને જન્મ અપાવ્યો હતો. સુરતમાં લગભગ 30 મહિલાઓએ IVFથી ગર્ભ ધારણ કર્યો હતો. તેમાંથી 11 યુગલો તારીખ 11-11-11ના પોતાના બાળકનો જન્મ ઇચ્છતા હતા. આ ઓપરેશન ડો. પૂજા નડકરની અને ડો. પૂર્ણિમા નડકરની દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.”

Times of India | Archive
એટલે કે, 11 અલગ-અલગ મહિલાઓ દ્વારા બાળકને જન્મ આપવામાં આવ્યો હતો. 1 જ મહિલા દ્વારા 11 બાળકને જન્મ આપવામાં આવ્યો ન હતો.
તેમજ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ જ ફોટો ઈનસ્ટાગ્રામ પર પ્રાપ્ત થયો હતો. જે વર્ષ 2018માં અપલોડ કરવામાં આવ્યો હતો અને સાથે માહિતી આપવામાં આવી હતી કે, “બે ગાયનેક ડોકટર દ્વારા જેટની સ્પીડે 6 બાળકોને જન્મ આપ્યો હતો.”
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2018થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે.
ત્યારબાદ અમે સુરત મહાનગર પાલિકાના મેડિકલ ઓફિસર કેતન ગરાસિયાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વાત તદ્દન ખોટી છે. સુરતમાં આ પ્રકારે એક મહિલા દ્વારા 11 બાળકોને જન્મ આપ્યાની કોઈ ઘટના બનવા પામી નથી. આ એક માત્ર અફવા છે. લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા વિનંતી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. સુરતની એક પણ હોસ્પિટલમાં પારસી મહિલા દ્વારા 11 બાળકોને જન્મ આપવામાં આવ્યો નથી. આ પ્રકારની કોઈ ઘટના સુરતમાં બનવા પામી નથી.

Title:શું ખરેખર સુરતમાં પારસી મહિલા દ્વારા 11 પુત્રોને જન્મ આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
