લુલુ મોલ ખાતે નમાજ અદા કરવા બદલ ત્રણ હિન્દૂ યુવકોની ધરપકડ... જાણો શા માટે કરવામાં આવી હિન્દૂ યુવકોની ધરપકડ...?
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે બનેલો લુલુ મોલ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે, આ મોલમાં કેટલાક લોકોએ જાહેરમાં નમાજ અદા કરતાં એ વિવાદના સમાચારોએ જોર પકડ્યું હતું. ત્યારે સોશિયલ મીડિયા પર લુલુ મોલને લગતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લુલુ મોલ ખાતે જાહેરમાં નમાજ અદા કરવા પર પોલીસે ત્રણ આરોપીઓની ઓળખ કરી દીધી છે તેમના નામ સરોજનાથ યોગી, કૃષ્ણ કુમાર પાઠક અને ગૌરવ ગોસ્વામી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ત્રણ હિન્દૂ આરોપીઓના નામ મૂકવામાં આવ્યા છે એ લુલુ મોલ ખાતે જાહેરમાં નમાજ અદા કરવાની ઘટના બન્યા બાદ તેના વિરોધમાં લુલુ મોલ ખાતે હનુમાન ચાલીસાનો પાઠ કરવા આવ્યા હતા જેના માટે આ ત્રણેય યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. આ માહિતીને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Azad Yuva નામના ફેસબુક યુઝર દ્વારા 18 જુલાઈ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, લુલુ મોલમાં નમાઝ અદા કરનાર નમાઝીઓની ઓળખ સરોજનાથ યોગી, કૃષ્ણ કુમાર પાઠક, ગૌરવ ગોસ્વામી તરીકે થઈ છે, બાકીના નમાઝીઓની શોધ ચાલુ છે..! #lulumall #Lucknow. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લુલુ મોલ ખાતે જાહેરમાં નમાજ અદા કરવા પર પોલીસે ત્રણ આરોપીઓની ઓળખ કરી દીધી છે તેમના નામ સરોજનાથ યોગી, કૃષ્ણ કુમાર પાઠક અને ગૌરવ ગોસ્વામી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ટીવી9 ગુજરાતી દ્વારા 24 જુલાઈ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, લખનઉના લુલુ મોલ ખાતે પરવાનગી વિના નમાજ અદા કરવાના કેસમાં અત્યાર સુધી કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમના નામ લુકમાન, રેહાન, નોમાન, મોહમ્મદ આતિફ, આદિલ, મોહમ્મદ ઈરફાન અને સઈદ છે. આ સંપૂર્ણ સમાચારમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના નામનો ઉલ્લેખ જોવા મળ્યો નહતો.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. gujaratsamachar.com
અમારી વધુ તપાસમાં અમને પોલીસ કમિશનર લખનઉ દ્વારા 19 જુલાઈ, 2022 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, લખનઉ ખાતેના લુલુ મોલ ખાતે પરવાનગી વિના નમાજ અદા કરવા પર સુશાંત ગોલ્ફ સિટી પોલીસ દ્વારા 4 વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમના નામ મોહમ્મદ રેહાન, આતિફ ખાન, મોહમ્મદ લોકમાન અને મોહમ્મદ નોમાન છે.
ત્યાર બાદ અમને પોલીસ કમિશનર લખનઉ દ્વારા 19 જુલાઈ, 2022 ના રોજ કરવામાં આવેલી વધુ એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પોલીસ દ્વારા લુલુ મોલ ખાતે પરવાનગી વિના જાહેરમાં નમાજ અદા કરી રહેલા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે. જેમાં પણ આ ચાર આપીઓના નામ ઉપર મુજબ જ જણાવવામાં આવ્યા છે.
વધુમાં અમને આજ કેસમાં વધુ એક આરોપી મોહમ્મદ આદિલને પોલીસ દ્વારા 23 જુલાઈના રોજ તેમજ અન્ય બે આરોપી મોહમ્મદ ઈરફાન અને સઈદ 24 જુલાઈના રોજ પકડાયા હોવાની ટ્વિટ પણ પોલીસ કમિશનર લખનઉ દ્વારા જ કરવામાં આ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
હવે એ જાણવું જરુરી હતું કે, પોસ્ટમાં જે ત્રણ હિન્દૂ યુવકોના નામ મૂકવામાં આવ્યા છે એ કોણ છે? તો આ અંગે અમે દુદા-જુદા કીવર્ડથી ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને લખનઉના દક્ષિણ ઝોન ડીસીપી દ્વારા 15 જુલાઈ, 2022 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ત્રણ યુવકોના નામ અમને જોવા મળ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 15 જુલાઈના રોજ લુલુ મોલ ખાતે ચાર યુવકો દ્વારા ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેને પગલે પોલીસે ચાર યુવકોની ધરપકડ કરી હતી. જેમના નામ સરોજનાથ યોગી, કૃષ્ણકુમાર પાઠક, ગૌરવ ગોસ્વામી અને અરશદ અલી છે.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને પોલીસ કમિશનર લખનઉ દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે ખુલાસો કરતી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 12 જુલાઈના રોજ લખનઉના લુલુ મોલ ખાતે જાહેરમાં નમાજ અદા કરવાનો એક વીડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ પોલીસે ગુનો નોંધીને આરોપીઓ તપાસ હાથ ઘરી હતી. પરંતુ 18 જુલાઈ સુધી આ પ્રકરણમાં કોઈ પણ આરોપીની ધરપકડ કે ઓળખ પોલીસને પ્રાપ્ત થઈ નહતી. જ્યારે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દારવા અંગે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં ત્રણ યુવકો કે જેમના નામ સરોજનાથ યોગી, કૃષ્ણ કુમાર પાઠક અને ગૌરવ ગોસ્વામી છે તેઓએ લુલુ મોલ ખાતે નમાજ અદા કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. પરંતુ આ માહિતી તદ્દન ખોટી છે. આ ત્રણે યુવકો લુલુ મોલ ખાતે 12 જુલાઈના રોજ જાહેરમાં નમાજ અદા કરવામાં આવી હોવાની બનેલી ઘટનાના વિરોધમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે લુલુ મોલ ખાતે આવ્યા હતા. પરંતુ એ પહેલા જ તેમની પોલીસે ધરપકડ કરી હતી. તેમજ એજ સમયે અરશદ અલી નામનો એક યુવક નમાજ અદા કરવા આવ્યો હતો તો તેની પણ પોલીસે ધરપકડ કરી હતી.
આ તમામ સંશોધનને અંતે અમે અમારી તપાસને મજબૂત બનાવવા માટે સાઉથ ઝોનના એડિશનલ ડીસીપી રાજેન્દ્રકુમાર શ્રીવાસ્તવ સાથે આ સમગ્ર ઘટના અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર જે માહિતી વાયરલ થઈ રહી છે એ તદ્દન ખોટી અને ગેરમાર્ગે દોરનારી છે. આ અંગે અમે અમારા સત્તાવાર ટ્વિટર પરથી ખુલાસો પણ પ્રેસનોટ દ્વારા આપ્યો છે. જે ત્રણ હિન્દૂ યુવકોના નામ સોશિયલ મીડિયા પર નમાજીઓના નામે વાયરલ થઈ રહ્યા છે એ ત્રણ યુવક લુલુ મોલ ખાતે પરવાનગી વિના જાહેરમાં નમાજ અદા કરવાની 12 જુલાઈના રોજ બનેલી ઘટના પછી તેઓએ 15 જુલાઈના રોજ લુલુ મોલ ખાતે હનુમાન ચાલીસાના પાઠ કરવાની કોશિશ કરતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. આવી ખોટી માહિતીથી લોકોએ ગેરમાર્ગે દોરાવું જોઈએ નહીં એવું પણ તેઓએ જણાવ્યું હતું.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ત્રણ હિન્દૂ આરોપીઓના નામ મૂકવામાં આવ્યા છે એ લુલુ મોલ ખાતે જાહેરમાં નમાજ અદા કરવાની ઘટના બન્યા બાદ તેના વિરોધમાં લુલુ મોલ ખાતે હનુમાન ચાલીસાનો પાઠ કરવા આવ્યા હતા જેના માટે આ ત્રણેય યુવકોની ધરપકડ કરવામાં આવી હતી.
Title:લુલુ મોલ ખાતે નમાજ અદા કરવા બદલ ત્રણ હિન્દૂ યુવકોની ધરપકડ... જાણો શા માટે કરવામાં આવી હિન્દૂ યુવકોની ધરપકડ...?
Fact Check By: Vikas VyasResult: Misleading