શું ખરેખર આ ફોટો ભારતના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ 1954 માં લીધેલી અમેરિકાની મુલાકાતનો છે…? જાણો શું છે સત્ય....
Anwar Ahmed Malik નામના ફેસબુક યુઝર દ્વારા 23 સપ્ટેમ્બર,2019 ના રોજ અપના અડ્ડા નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ 1954 માં નહેરુ જી યુ.એસ. માં વગર કોઇ પીઆર ટીમ , કોઈ બ્રાંડિંગ, કોઈ હાઇપેડ અભિયાન. મુખ્ય તફાવત - અમેરિકનો ભારતીય પીએમ નહેરુ માટે ઉત્સાહિત હતા જ્યારે મોદી ને કરોડો ખરચવા પડ્યા અમેરિકા માં ભારતીયો નો ઉત્સાહ મીડિયા માં બતાવા માંટે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, 1954 માં ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જ્યારે અમેરિકાની મુલાકાત લીધી ત્યારની આ તસવીર છે. આ પોસ્ટને 315 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 161 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 21 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Post Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે જો ખરેખર આ ફોટો ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જ્યારે 1954 માં અમેરિકાની મુલાકાત લીધી ત્યારનો છે કે કેમ ? તે જાણવા માટે સૌપ્રથમ અમે યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને magmetall.ru નામની એક વેબસાઈટની એક લિંક પ્રાપ્ત થઈ હતી. જેમાં એવું લખેલું હતું કે, વર્ષ 1955 માં જ્યારે જવાહરલાલ નહેરુએ મેગ્નિટોગોર્સ્કની મુલાકાત લીધી એ સમયે આ ફોટો લેવામાં આવ્યો હતો. મેગ્નિટોગોર્સ્ક રશિયામાં આવેલું એક શહેર છે. વધુમાં અમને MagMettal દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક લેખમાં એવું જાણવા મળ્યું હતું કે, “જવાહરલાલ નહેરુ ઓગષ્ટ, 1955 માં તેમની દીકરી ઈંદિરા ગાંધી સાથે મેગ્નિટોગોર્સ્ક આવ્યા હતા.”
MagMettal દ્વારા આ ઘટનાનો બીજો પણ એક ફોટો મૂકવામાં આવ્યો હતો જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં pastvu.com નામની વેબસાઈટ દ્વારા પણ આ ફોટોને પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં આ ફોટોના શીર્ષકમાં એવું લખેલું છે કે, “જવાહરલાલ નહેરુ અને ઈંદિરા ગાંધીની મુલાકાત 1955, રશિયા, ચેલ્યાબિંસ્ક ઓબ્લાસ્ટ, મેગ્નિટોગોર્સ્ક” (રશિયન ભાષાના અનુવાદ બાદ). એક વ્યક્તિ દ્વારા ફોટોના નીચે કોમેન્ટ સેક્શનમાં ફોટો કઈ જગ્યા પર લેવામાં આવ્યો છે તેના ગુગલ લોકેશનની લિંક પણ આપી છે. ફોટોની પાછળ રહેલી બંને ઈમારતોના સ્થાનને ગુગલ સ્ટ્રીટ વ્યૂના માધ્યમથી જોઈ શકાય છે.
આ ઉપરાંત તમે ગુગલ સ્ટ્રીટ વ્યૂ દ્વારા મળેલા પરિણામ અને સોશિયલ મીડિયા પર વાયરલ ફોટોમાં દેખાતા પાછળના ભાગની સરખામણી નીચે જોઈ શકો છો.
રશિયાના એક અખબાર મેગ્નિટોગોર્સ્ક વર્કર દ્વારા નહેરુની આ શહેરની મુલાકાતના સમાચારપત્રના આર્કાઈવને અપલોડ કર્યું હતું, જેના અનુસાર, જવાહરલાલ નહેરુએ 17 જૂન, 1955 ના રોજ મેગ્નિટોગોર્સ્કની મુલાકાત લીધી હતી. ભારતના પૂર્વ વડાપ્રધાનની યાત્રાના આ સમાચારને 18 જૂન, 1955 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
આઉટલુક ટ્રેવલર નામની વેબસાઈટ પરના એક લેખ (ધ સોવિયેત લેન્ડ, 1955) માં લખેલું છે કે, નહેરુએ પોતાની દીકરી ઈંદિરાની સાથે જૂન 1955 માં USSR ની મુલાકાત લીધી હતી. આ યાત્રાના કાર્યક્રમમાં મેગ્નિટોગોર્સ્કની મુલાકાત પણ સામેલ હતી.વધુમાં લખ્યું છે કે, “તે વર્ષે જૂનમાં આપણા પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ USSR ના પોતાના પ્રથમ સત્તાવાર પ્રવાસ માટે મોસ્કોની યાત્રા કરી હતી. (1927 માં તે એકવાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધીના રુપમાં ઓક્ટોમ્બર રિવોલ્યુશનની 10 મા વર્ષગાંઠ સમારોહમાં આવ્યા હતા) તેમની દીકરી તેમની સાથે હતી અને તેઓએ સ્ટેલિનગ્રાદ, ક્રિમિયા, જોર્જિયા, અશ્કાબાદ, તાશ્કંદ, સમરકંદ, અલ્તાઇ ચેરિટરી, મેગ્નિટોગોર્સ્ક અને સેવરડલોવ્સ્કના રસ્તે મોસ્કોથી લેનિનગ્રાદ સુધી એક યાત્રા શરુ કરી હતી. બીજા વધુ ફોટા અને આ યાત્રા સંબંધી વધુ જાણકારી માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
dostup1.ru | zavodfoto.livejournal.com |
Archive | Archive |
ફેક્ટ ક્રેસેન્ડોની મલયાલમ, મરાઠી અને હિન્દી ટીમ દ્વારા પણ આ ફોટોની સત્યતા ચકાસવામાં આવી હતી.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જવાહરલાલ નહેરુનો આ ફોટો તેમની 1954 ની અમેરિકા યાત્રાનો નહીં પરંતુ 1955 માં તેમણે કરેલી USSR યાત્રાનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જવાહરલાલ નહેરુનો આ ફોટો તેમની 1954 ની અમેરિકા યાત્રાનો નહીં પરંતુ 1955 માં તેમણે કરેલી USSR યાત્રાનો છે.
છબીઓ સૌજન્ય : ગુગલ
Title:શું ખરેખર આ ફોટો ભારતના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ 1954 માં લીધેલી અમેરિકાની મુલાકાતનો છે…? જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False