
હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ ભારતમાં રમાતી ઈન્ડિયન પ્રિમિયમ લિંગ અને પાકિસ્તાનમાં રમાતી પાકિસ્તાન સુપર લિંગના નામે છે. આ મેસેજને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાન સુપર લિંગમાં રમતા વિદેશી ખેલાડીઓ IPLમાં નહિં રમી શકે જે આદેશ BCCI દ્વારા કરાયો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, બીસીસીઆઈ દ્વારા હાલમાં આ પ્રકારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, બે વર્ષ પહેલા પુલવામાં હુમલા બાદ માંગ ઉઠી હતી. પરંતુ તે સમયે પણ આ પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો હતો.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ત્રિવેદી હરિશ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાન સુપર લિંગમાં રમતા વિદેશી ખેલાડીઓ IPLમાં નહિં રમી શકે જે આદેશ BCCI દ્વારા કરાયો.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈન્ડિયન એક્સપ્રેસનો 26 ફેબ્રુઆરી 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પુલવામાં ભારતીય સૈનિકો પર થયેલા હુમલા બાદ પાકિસ્તાન સુપર લિંગ માં રમતા વિદેશી ખેલાડીઓને આઈપીએલમાં ન રમવા દેવાની માંગ ઉઠવા પામી હતી. પરંતુ ઘણા વિચાર બાદ તેને પડતુ મુકવામાં આવ્યુ હતુ.”

તેમજ રમત-જગતના સમાચાર પર સતત રિપોર્ટિગ કરતી વેબસાઈટ thesportsrush.com દ્વારા 26 ફેબ્રુઆરી 2019ના પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ગત શુક્રવારે નવી દિલ્હીમાં બેઠક દરમિયાન, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA) ના સભ્યએ આ વિચારનો પ્રસ્તાવ મૂક્યો હતો,પરંતુ તેના પ્રસ્તાવને અન્ય બે સભ્યોએ નકારી કાઢ્યો હતો. અને જણાવ્યુ હતુ કે, ‘તમે અન્ય દેશોના ક્રિકેટરોને આ બાબતોમાં સામેલ થવા માટે કહી શકતા નથી. તેઓ ખેલાડીઓ છે અને તેમનું કામ રમવું અને આજીવિકા મેળવવાનું છે.’

જો કે, હાલમાં બીસીસીઆઈ દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે કે કેમ, તે જાણવા અમે બીસીસીઆઈનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં આઈપીએલ વિભાગમાં કાર્યરત રોહિત નામના કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ નિર્ણય હાલમાં બીસીસીઆઈ દ્વારા લેવામાં આવ્યો નથી, ભૂતકાળમાં પણ આ પ્રકારની વાતો ફેલાઈ હતી. પરંતુ તેમાં કોઈ સત્યતા નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બીસીસીઆઈ દ્વારા હાલમાં આ પ્રકારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, બે વર્ષ પહેલા પુલવામાં હુમલા બાદ માંગ ઉઠી હતી. પરંતુ તે સમયે પણ આ પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો હતો.

Title:શું ખરેખર PSLમાં રમતા વિદેશી ખેલાડીઓ IPLમાં નહિ રમી શકે…?
Fact Check By: Yogesh KariaResult: False
