શું ખરેખર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે એવું કહ્યું કે, ‘હિંસા ફેલાવવા પાછળ રામભક્તોનો હાથ છે’…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી સમાચાર ચેનલ ઝી 24 કલાકનો એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. આ સ્ક્રીનશોટ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે એવું કહ્યું કે, ‘હિંસા ફેલાવવા પાછળ રામભક્તોનો હાથ છે’. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા સ્ક્રીનશોટ સાથેના સમાચાર માટે ગુજરાતી સમાચાર ચેનલ ઝી 24 કલાકે સ્પષ્ટતા કરી છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ક્યાંય પણ પોતાના નિવેદનમાં એવું નથી કહ્યું કે, ‘હિંસા ફેલાવવા પાછળ રામભક્તોનો હાથ છે’. આ સ્ક્રીનશોટને સોશિયલ મીડિયા પર ખોટી અને પાયાવિહોણી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mukesh Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા 13 એપ્રિલ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આમાં કોઈને કઈ કહેવું છે ?????? બોલો……બોલો…… પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે એવું કહ્યું કે, ‘હિંસા ફેલાવવા પાછળ રામભક્તોનો હાથ છે’.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો અને માહિતી સાથેના ઝી 24 કલાક દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા.

આ સમાચારના બ્રેકિંગમાં એવું લખેલું સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે એવું કહ્યું કે, ‘હિંસા ફેલાવવા પાછળ રામભક્તોનો હાથ’.

હવે શું ખરેખર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા આ પ્રકારનું કોઈ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે અમે અમારી આગળની તપાસ હાથ ધરી હતી તો અમને જગદીશ ઠાકોર દ્વારા રામનવમી પર ગુજરાતમાં થયેલી હિંસા મુદ્દે કરવામાં આવેલી એક પ્રેસ કોન્ફરન્સનો સંપૂર્ણ વીડિયો જગદીશ ઠાકોરના જ સત્તાવાર ફેસબુક પેજ પર લાઈવ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોમાં 7.50 મિનિટ બાદ તમે જગદીશ ઠાકોર દ્વારા રામનવમી પર ગુજરાતમાં થયેલી હિંસા મુદ્દે આપવામાં આવેલું નિવેદન સાંભળી શકો છો.

https://www.facebook.com/jagdishthakormp/videos/350029973756909/?__cft__[0]=AZVO0D1etssZZGVJPew72YmkfmQslqGDhix90V3H4GCS9aqCjbkbEgZnm12wBjZnkj4gqV-1HdSrx7aD38UzIOfL86LK4bLLjeqOp7LM1Kh-9XQqnDOJopjA2LcOGcKPWYKD8zi3wV2glfKPS23vyWpP1_y9PUZuEA-RJa1-IJaMtQ&__tn__=%2CO%2CP-R

આ સંપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ક્યાંય પણ એવું નથી કહ્યું કે, હિંસા ફેલાવવા પાછળ રામભક્તોનો હાથ છે પરંતુ તેઓએ એવું કહ્યું છે કે, “આ પ્રકારના તોફાનો થાય ત્યારે લોકજીભે-લોકમુખે એવું બોલાય છે કે, કેટલાક સત્તામાં બેઠેલા જવાબદાર લોકો આ તોફાન કરાવે છે”.

ત્યાર બાદ અમારી તપાસને આગળ વધારતાં અમને આ વિવાદ અંગે સ્પષ્ટતા કરતો ઝી 24 કલાકનો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. આ સ્પષ્ટતા ઝી 24 કલાકના સત્તાવાર ટ્વિટર પર 13 એપ્રિલ, 2022 ના રોજ કરવામાં આવી હતી. જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે તોફાનો માટે રામભક્તોને જવાબદાર ગણાવ્યા નથી. 

આ વીડિયોમાં વધુમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પોતાના નિવેદનમાં ક્યાંય પણ ‘રામભક્ત’ શબ્દનો ઉપયોગ કર્યો નથી. તેઓ એવું બોલ્યા હતા કે, રામનવમીના પવિત્ર દિવસે નીકળીએ આપણે તો રામનું નામ લેતા લેતા નીકળીએ અને નીકળીએ ત્યારે કોઈક મસ્જિદ કે દરગાહ આવે એના કોઈક વીજળીના થાંભલા ઉપર કોઈક ધર્મનો ઝંડો હોય, એ ધર્મના ઝંડા ઉતારીને આપણે આપણા ધર્મના ઝંડા લગાવીએ, એના વિરુદ્ધના સૂત્રોચ્ચાર કરીએ અને પછી જે તોફાનો થાય છે ચોરે ને ચોટે, જે વિસ્તારમાં તોફાનો થાય છે, લોકજીભે – લોકમુખે બોલાય છે કે, કેટલાક સત્તામાં બેઠેલા જવાબદાર લોકો આ તોફાન કરાવે છે.

ગુજરાતી સમાચાર ચેનલ ઝી 24 કલાકના આજ સ્પષ્ટતા સાથેના સમાચાર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે તેમના સત્તાવાર ફેસબુક પેજ પર અપલોડ કર્યા હતા.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જદગીશ ઠાકોર સાથે સીધી જ વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, મેં મારા નિવેદનમાં ક્યાંય પણ રામભક્તશબ્દનો ઉપયોગ કર્યો નથી મેં એમ કહ્યું છે કે, આ પ્રકારના તોફાનો થાય ત્યારે લોકજીભે-લોકમુખે એવું બોલાય છે કે, કેટલાક સત્તામાં બેઠેલા જવાબદાર લોકો આ તોફાન કરાવે છે. વધુમાં તેઓએ એપણ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ આ પ્રકારે કેટલાક મીડિયા માધ્યમો દ્વારા અપપ્રચાર કરવામાં આવ્યો હતો. જે હજુ પણ થઈ રહ્યો છે તેમજ ભવિષ્યમાં પણ બનવાની શક્યતા છે એ માટે અમે આ મુદ્દે રણનીતિ ઘડવા ચર્ચા-વિચારણા કરી રહ્યા છીએ. 

ત્યાર બાદ અમે આ અંગે જી 24 કલાકના ચેનલ હેડ દિક્ષિત સોનીને જાણ કરતાં તેઓએ પણ અમને ઝી 24 કલાક દ્વારા તેના સોશિયલ મીડિયા પર કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકેરના નિવેદન અંગે સ્પષ્ટતા કરતા જે સમાચાર મૂકવામાં આવ્યા હતા એ વીડિયો અમને મોકલ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા સ્ક્રીનશોટ સાથેના સમાચાર માટે ગુજરાતી સમાચાર ચેનલ ઝી 24 કલાકે સ્પષ્ટતા કરી છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ક્યાંય પણ પોતાના નિવેદનમાં એવું નથી કહ્યું કે, ‘હિંસા ફેલાવવા પાછળ રામભક્તોનો હાથ છે’.

Avatar

Title:શું ખરેખર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે એવું કહ્યું કે, ‘હિંસા ફેલાવવા પાછળ રામભક્તોનો હાથ છે’…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False