લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો કાલ્પનિક વીડિયો અધૂરી અને ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકને લઈને જઈ રહેલી એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ મહિલા દ્વારા બાળકોની ચોરી કરવામાં આવી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ લોકજાગૃતિ માટે કાલ્પનિક રીતે બનાવવામાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Raju S Baroliya Loliyavala નામના ફેસબુક યુઝર દ્વારા 16 ડિસેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આપના બાળકને પાકઁ,ગાઙઁન,મોલ,મેળા જેવી જગયાએ જતાં ખાસ ધ્યાન રાખો.અને આવા બાળકોને કોઈ જબરજસ્તી લઈ જતા દેખાઈ તો મદદ કરી સથાનિક પોલીસની મદદ લેવી.. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ મહિલા દ્વારા બાળકોની ચોરી કરવામાં આવી રહી છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે આ આખો વીડિયો ધ્યાનથી જોયો હતો. આ વીડિયોની શરૂઆતમાં જ એક માહિતી આપવામાં આવી છે. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, આ વીડિયો માત્ર લોકોના મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. તેનો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી.

અમારી વધુ તપાસમાં અમે ફેસબુક પર જુદા-જુદા કીવર્ડતી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો હરિદ્વાર પોલીસના ફેસબુક પેજ પર 15 ડિસેમ્બર, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

આ વીડિયોના માધ્યમથી તેઓ લોકોને સાવધાન રહેવાનું જણાવી રહ્યા છે. વધુમાં તેઓએ એ પણ જણાવ્યું છે કે, બાળકોને ક્યાંય પણ એકલા ન મૂકવા જોઈએ અને તેમના પ્રત્યે સતર્ક રહેવું જોઈએ.

Facebook Post

ત્યાર બાદ ફેક્ટ ક્રેસેન્ડોએ હરિદ્વારના SSP ડૉ. યોગેન્દ્રસિંહ રાવતના પીઆરઓ બી.સી.પાઠકનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, અમે આ વીડિયો બનાવ્યો નથી. અમને સોશિયલ મીડિયા પર આ વીડિયો મળ્યો હતો અને અમે લોકોને જાગૃત કરવાના હેતુથી તેને પ્રકાશિત કર્યો છે. તમે જોઈ શકો છો કે, આ વીડિયોમાં સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે કે, આ વીડિયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાતી ઘટના સાચી નથી.

પછી આગળ અમે ફેસબુક પર અન્ય કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને 9મી ડિસેમ્બરના રોજ Mady Ki Duniya નામના ફેસબુક પેજ પર આજ વીડિયો પ્રસારિત કરેલો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં 9.13 મિનિટે તેમાં હાજર એક વ્યક્તિને એવું કહેતા સાંભળી શકાય છે કે, “આ વીડિયો હવે મેડીની પ્રૅન્ક નામની ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે.”

Archive

આ સાથે એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિશે પણ માહિતી આપવામાં આવી છે. તે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનું સંચાલન કરનાર એક કન્ટેન્ટ ક્રિએટર છે. ત્યારબાદ અમે તેનું યુટ્યુબ એકાઉન્ટ ચેક કર્યું તો ત્યાં આપવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્યું કે, તે લોકોના મનોરંજન માટે પ્રૅન્ક વીડિયો બનાવે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ લોકજાગૃતિ માટે કાલ્પનિક રીતે બનાવવામાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો કાલ્પનિક વીડિયો અધૂરી અને ભ્રામક માહિતી સાથે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: False