શું ખરેખર રાહુલ ગાંધીએ ઉદયપુર હત્યાના આરોપીઓને બાળક સમજીને માફી આપવાનું કહ્યું…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ ઉદયપુર હત્યાના આરોપીઓને બાળક સમજીને માફ કરી દેવા જોઈએ એવું કહ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધી ઉદયપુર કન્હૈયાલાલની હત્યાના આરોપીઓ વિશે નહીં પરંતુ વાયનાડ ખાતે કોંગ્રેસની ઓફિસમાં તોડફોડ કરી હતી એ એસ.એફ.આઈ એટલે કે સ્ટૂડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના યુવકોની વાત કરી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Govind Chariya નામના ફેસબુક યુઝર દ્વારા 02 જુલાઈ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, લો,આવી ગયા જેહાદીઓ ના સમર્થન મા, ઉદયપુર ની ઘટના ના આરોપીઓ બાળકો છે તેને માફ કરી દેવા જોયે મારા મન મા આના પ્રત્યે કોઇ ગુસ્સો નથી. (ભાવી પ્રધાનમંત્રી ) શ્રી શ્રી શ્રી રાહુલ ગાંધી જી. Rahul Gandhi. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ ઉદયપુર હત્યાના આરોપીઓને બાળક સમજીને માફ કરી દેવા જોઈએ એવું કહ્યું.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને એશિયાનેટ ન્યૂઝ ચેનલ દ્વારા 1 જુલાઈ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તમે જોઈ શકો છો કે, એક રિપોર્ટર પહેલાં રાહુલ ગાંધીને સવાલ કરી રહ્યો છે અને પછી તેઓ તે પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે.

રિપોર્ટર એવું પૂછે છે કે, રાહુલ ગાંધીએ વાયનાડમાં તેમની ઓફિસની મુલાકાત લીધી અને જોયું કે યુવાનોએ ભારે હંગામો મચાવ્યો હતો, ઓફિસમાં તોડફોડ કરી, પથ્થરમારો કર્યો તેમજ કાગળો પણ ઉથલપાથલ કરી દીધા હતા. જેના પર રાહુલ ગાંધીએ એવો જવાબ આપ્યો કે, આ ઓફિસ તેમની સાથે-સાથે વાયનાડના લોકોની પણ છે. જે પણ થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. દેશના લોકો માને છે કે, હિંસાનો વિચાર સમસ્યાઓનો ઉકેલ લાવી દેશે પરંતુ હિંસા ક્યારેય સમસ્યાઓનું સમાધાન નથી કરતી. તોડફોડ કરનારા કાર્યકરો પણ બાળકો જ છે, તેથી આવું કરવું એ સારી વાત નથી. તેમણે આવું બેજવાબદારીભર્યું કામ કર્યું છે. તેમણે કહ્યું કે, તે બાળકો પર તેમને કોઈ ગુસ્સો કે દુશ્મની નથી. તેમણે મૂર્ખામીભર્યું કામ કર્યું છે. તેઓ બાળકો છે અને તેઓ પરિણામ સમજે છે, તેથી તેમને આપણે માફ કરી દેવા જોઈએ.

આ બધું તમે નીચેના વીડિયોમાં જોઈ શકો છો.

Archive

આ વીડિયોમાં તેઓ ક્યાંય પણ કન્હૈયાલાલની વાત કરી રહ્યા નથી.

અમારી આગળની તપાસમાં અમને 1 જુલાઈ, 2022 ના રોજ પ્રકાશિત થયેલા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જાણવા મળ્યું કે, સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના કાર્યકરોએ કેરળના વાયનાડમાં રાહુલ ગાંધી સામે વિરોધ કર્યો હતો. તેઓએ તેમની ઓફિસમાં તોડફોડ કરી હતી. જંગલોની આસપાસના બફર ઝોનના મુદ્દે નિષ્ક્રિયતાના કારણે તેઓ રાહુલ ગાંધી સામે આંદોલન કરી રહ્યા હતા.

3 જુલાઈ, 2022 ના રોજ પ્રકાશિત ANI ના અહેવાલમાં જણાવાયું છે કે, SFI એ આ મામલામાં વાયનાડની જિલ્લા સમિતિને ભંગ કરવાનો નિર્ણય લીધો છે. અને જેમાં સ્પષ્ટતા કરી છે કે, રાહુલ ગાંધીના કાર્યાલયમાં તોડફોડ વાયનાડમાં SFI ની જિલ્લા સમિતિ દ્વારા કરવામાં આવી છે અને SFI ની રાજ્ય સમિતિને તેની જાણ નહોતી. તેમણે એમ પણ કહ્યું કે, તેમને 25 જૂને રાહુલ ગાંધી વિરુદ્ધ કાઢવામાં આવેલી રેલી વિશે પણ તેમને કોઈ જાણકારી નહતી. અને SFI કાર્યકર દ્વારા કરવામાં આવેલી તોડફોડથી તે લાચાર છે. કેરળ પોલીસે આઠ લોકોની અટકાયત કરી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધી ઉદયપુર કન્હૈયાલાલની હત્યાના આરોપીઓ વિશે નહીં પરંતુ વાયનાડ ખાતે કોંગ્રેસની ઓફિસમાં તોડફોડ કરી હતી એ એસ.એફ.આઈ એટલે કે સ્ટૂડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના યુવકોની વાત કરી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર રાહુલ ગાંધીએ ઉદયપુર હત્યાના આરોપીઓને બાળક સમજીને માફી આપવાનું કહ્યું…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False