શું ખરેખર થાઈલેન્ડ ખાતે આવેલું ઝરણું ૐ ના ઉચ્ચારણથી ઉપર આવે છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ૐ નું ઉચ્ચારણ કરવાથી પર્વતમાંથી પાણીનો ધોધ પર ઉઠી રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, થાઈલેન્ડ ખાતે એક પર્વત પર ૐ નું ઉચ્ચારણ કરવાથી નીચેથી પાણીનું ઝરણું ઉપર આવી રહ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ફુવારાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ થાઈલેન્ડનો નહીં પરંતુ ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતના કેંગશાન પર્વતોમાં બનાવવામાં આવ્યો છે અને તે કોઈપણ અવાજથી ઉપર આવે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

City Spotlight નામના ફેસબુક યુઝર દ્વારા 02 જુલાઈ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ૐ  વિડીયો થાઇલેન્ડનો છે.. પર્વત પરથી ૐ નું ઉચ્ચારણ કરવાથી નીચેથી ઝરણાનું પાણી છેક ઉપર સુધી આવી જાય છે… પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, થાઈલેન્ડ ખાતે એક પર્વત પર ૐ નું ઉચ્ચારણ કરવાથી નીચેથી પાણીનું ઝરણું ઉપર આવી રહ્યું છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એખ સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને ‘usclip‘ નામની વેબસાઇટ મળી હતી, જેમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો અન્ય ભાષામાં હોવાને કારણે અમે ગૂગલ ટ્રાન્સલેટરમાંથી ભાષા બદલીને જોતાં તેના અંગ્રેજી અનુવાદમાં વર્ણનમાં લખ્યું હતું કે, ‘This Girl Shouts in Front of the Trumpet Then Unexpected Things Happen’. આ વીડિયોમાં 0:55 થી 0:58 અને 01:08 થી 01:26 વચ્ચેનો ભાગ, જેમાં ધોધ ઉપરના દાવાના વીડિયો જેવો જ છે. 

આ ભાગમાં વીડિયોના નીચેના હિસ્સામાં આવેલ ‘HIMALAYA MUSIC FOUNTAIN’ ને વીડિયોના તે ભાગ માટેનું શ્રેય આપ્યું છે અને બીજા ભાગમાં ‘OVER.DISCOVER’ ને વીડિયોના તે ભાગ માટે શ્રેય આપવામાં આવ્યું છે.

અમારી વધુ તપાસમાં અમને ‘Chinamusicfountain‘ નામની વેબસાઈટ મળી. આ વેબસાઈટના ‘Products‘ વિભાગની મુલાકાત લેવા પર, અમને તેમના દ્વારા વૉઇસ કંટ્રોલ્ડ ફાઉન્ટેન વિશે જાણવા મળ્યું, જેને કોઈપણ પ્રકારના અવાજથી નિયંત્રિત કરી શકાય છે.

પછી અમે ગૂગલ પર ‘voice control fountain in china’ શબ્દો સર્ચ કરતાં અમને નીચે આપેલા પરિણામો પાર્પત થયા હતા.

ઉપરોક્ત સંશોધનમાં અમને બે વીડિયો પ્રાપ્ત થયા હતા.

પ્રથમ વીડિયો

14 નવેમ્બર 2018ના રોજ ન્યૂ ચાઈના ટીવી દ્વારા અપલોડ કરવામાં આવેલા આ વીડિયોના વર્ણનમાં લખવામાં આવ્યું છે કે, ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતના કેંગશાન પર્વતોમાં આ ફુવારો બનાવવામાં આવ્યો છે. અવાજથી ચાલતો આ ફુવારો પોતાનામાં એક અનોખું આકર્ષણ છે.

બીજો વીડિયો 

હિમાલય મ્યુઝિક ફાઉન્ટેન દ્વારા 10 એપ્રિલ, 2018ના રોજ અપલોડ કરવામાં આવેલા આ વીડિયોના વર્ણનમાં લખવામાં આવ્યું છે કે, ચાંગશા હિમાલયન મ્યુઝિક ફાઉન્ટેન કોર્પોરેશને હાન ટૂરિસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે હજાર-બુદ્ધ ગુફાના શાઉટ ફાઉન્ટેનના નિર્માણ માટે સફળતાપૂર્વક કરાર કર્યો છે.

આ પછી અમે ગૂગલ પર ‘Cangshan Mountain in north China’s Shanxi Province’ શબ્દો સાથે સર્ચ કરતાં નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

અમારી વધુ તપાસમાં અમને ‘China Xinhua News’ નામની ન્યૂઝ ચેનલની ફેસબુક પેજની પોસ્ટ મળી. આ પોસ્ટ અનુસાર, આ ફુવારો ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતના કેંગશાન પર્વતોમાં બનાવવામાં આવ્યો છે.

Facebook Post | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ફુવારાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ થાઈલેન્ડનો નહીં પરંતુ ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતના કેંગશાન પર્વતોમાં બનાવવામાં આવ્યો છે અને તે કોઈપણ અવાજથી ઉપર આવે છે.

Avatar

Title:શું ખરેખર થાઈલેન્ડ ખાતે આવેલું ઝરણું ૐ ના ઉચ્ચારણથી ઉપર આવે છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False